આમચી મુંબઈ

એટીએમમાંની રોકડ ચોરનારી ટોળકી પંજાબમાંથી પકડાઈ

આરોપીઓ સ્પાય કૅમેરાથી કૅશ બૉક્સની પૅટર્ન પ્રાપ્ત કરી ડુપ્લિકેટ ચાવીથી મશીનનું લૉક ખોલતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એટીએમ સેન્ટરમાં સ્પાય કૅમેરા ગોઠવીને કૅશ બૉક્સની પૅટર્ન પ્રાપ્ત કરી એટીએમમાંથી રોકડ ચોરનારી આંતરરાજ્ય ટોળકીને પંજાબમાંથી પકડી પાડવામાં આવી હતી. ઘાટકોપર અને કુર્લાના એટીએમમાંથી આ જ પદ્ધતિથી ચોરી કરનારી ટોળકીએ અન્ય વિસ્તારના એટીએમમાંથી પણ રોકડ ચોરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

નેહરુ નગર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ જસવીર સિંહ સુખદેવ સિંહ (29), લખવીર સિંહ બલદેવ સિંહ (31), ગુરપ્રીત સિંહ કરનેલ સિંહ (27) અને રછપાલ સિંહ બલદેવ સિંહ (37) તરીકે થઈ હતી.

આ પણ વાંચો: લાતુરમાં ટોળકીના છ સભ્ય સામે એમસીઓસીએ લગાવાયો

આરોપીઓ એટીએમ સેન્ટરમાં સ્પાય કૅમેરા ફિટ કરીને કૅશ બૉક્સની પૅટર્ન પ્રાપ્ત કરતા હતા. બાદમાં ડુપ્લિકેટ ચાવીની મદદથી મશીન ખોલી કૅશ બૉક્સ ખોલતા હતા. કુર્લામાં આવેલી બૅન્કની શાખામાંથી આરોપીઓએ ત્રણ લાખથી વધુની રોકડ ચોરી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ જ પદ્ધતિથી ટોળકીએ ઘાટકોપરમાં પણ એટીએમ ખોલી 8.86 લાખ રૂપિયા ચોર્યા હતા. ચોરી બાદ પંજાબ ફરાર થઈ ગયેલા આરોપીઓને સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે ઓળખી કઢાયા હતા. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી ચારેયને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરીની રકમમાંથી ખરીદેલી કાર, સ્પાય કૅમેરા, ગુનામાં વાપરેલા મોબાઈલ ફોન સહિત રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

મુંબઈ-સિટી-ડેસ્ક તેઓ દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક… More »
Back to top button