આઠવલેને આવ્યો ફ્રોડ કૉલ: વિદ્યાર્થીઓ અકસ્માતમાં ઘાયલ થયા હોવાનું જુઠ્ઠાણું ચલાવીને પૈસાની કરી માગણી

મુંબઈ: શાળાના વિદ્યાર્થીઓ સાથેના વાહનને અકસ્માત નડ્યો હોવાથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર માટે રૂપિયા જરૂર હોવાનું જુઠ્ઠાણું ચલાવીને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે સાથે ઠગાઇ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તેમના આસિસ્ટન્ટની સતર્કતાને કારણે ઠગાઇ ટળી હતી.
કેન્દ્રીય પ્રધાન આઠવલે શુક્રવારે બિહારમાં એક કાર્યક્રમ માટે ગયા હતા. એ સમયે તેમને એક કૉલ આવ્યો હતો. કૉલરે પોતાની ઓળખ શિર્ડીના શિક્ષક તરીકે આપી હતી અને કહ્યું હતું કે ગોંદિયામાં તેની શાળાના વિદ્યાર્થીઓ સાથેના વાહનને અકસ્માત નડ્યો છે, જેમાં આઠથી દસ વિદ્યાર્થી ઘાયલ થયા છે. તેમની સારવાર માટે જીપે થકી નાણાંની માગણી કૉલરે કરી હતી.
આપણ વાંચો: કાળમુખો શનિવારઃ રાજ્યમાં વિવિધ અકસ્માતમાં 10 લોકોનાં મૃત્યુ
આઠવલેએ જણાવ્યું હતું કે મેં ગોંદિયામાં મારા પક્ષના કાર્યકરોને ફોન કરીને મદદ કરવાનું કહ્યું હતું. ટૂંક સમયમાં જ મને કૉલરે ફરી કૉલ કરીને કહ્યું હતું કે અકસ્માત ભંડારામાં થયો છે અને બાળકોને મુંબઈની જે.જે. હોસ્પિટલમાં ખસેડવાના છે.
આઠવલેએ જણાવ્યું હતું કે વિદર્ભનું સૌથી મોટું શહેર નાગપુર ભંડારાથી મુંબઈ કરતાં વધુ નજીક હોવાથી મને કૉલરની વાત પર શંકા ગઇ હતી. મારા આસિસ્ટન્ટ સચિન ભાટીએ તપાસ કરતાં કૉલ બોગસ હોવાનું જણાયું હતું.
આથી ભાટીએ મને નાણાં ટ્રાન્સફર ન કરવાનું કહ્યું હતું. મેં પોલીસ પાસે તપાસ કરાવતાં શિર્ડીથી ગોંદિયા કોઇ જ ટ્રિપ ગઇ ન હોવાનું જાણવા મળ્યું હતું. હવે કૉલરનો નંબર હું તપાસ માટે ગૃહ વિભાગને આપીશ, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)