મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.95 કરોડનો ગાંજો જપ્ત: મહિલા પ્રવાસીની ધરપકડ

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) રૂ. 1.95 કરોડની કિંમતનો ગાંજો જપ્ત કરીને મહિલા પ્રવાસીની ધરપકડ કરી હતી. મહિલાની ઓળખ ફિઝા જાવેદ ખાન (37) તરીકે થઇ હોઇ તે ચેમ્બુરના મુક્તિનગરમાં રહે છે. કોર્ટે ફિઝા ખાનને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
ફિઝા ખાન શનિવારે રાતે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બેંગકોકથી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી પહોંચી હતી. એઆઇયુના અધિકારીઓએ શંકાને આધારે ફિઝાને આંતરી હતી.
આ પણ વાંચો:Mumbai Airport પર આવી હાલતમાં દેખાઈ Aishwarya Rai Bachchan
ફિઝાના સામાનની તલાશી લેવામાં આવી હતી, જેમાં ગ્રે રંગની ટ્રોલી બેગમાં કપડાં અને અંગત વસ્તુ ઠાંસી ઠાંસીને ભર્યાં હતાં. તેની બારીકાઇથી તપાસ કરાતાં આઠ વેક્યુમ પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાં લીલા રંગનો પદાર્થ હતો. એ પદાર્થ કાઢીને નાર્કોટિક્સ ડ્રગ ફિલ્ડ ટેસ્ટિંગ કિટથી પરીક્ષણ કરાતાં તેમાં ગાંજો મળી આવ્યો હતો.
આઠ પેકેટ્સમાંથી 4273 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારકિંમત રૂ. 1.95 કરોડ થવા જાય છે. ફિઝાએ અગાઉ પણ પાંચથી વધુ વાર નાની માત્રામાં ડ્રગ્સની દાણચોરી કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આ દાણચોરી સામે તેને સારી એવી રકમ મળતી હતી. ફિઝા ગાંજો કઇ વ્યક્તિ સુધી પહોંચાડવાની હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે.