આમચી મુંબઈમહારાષ્ટ્ર

પોલીસની મધ્યસ્થી બાદ માલશિરસ ગામમાં વિધાનસભાની ફેર-ચૂંટણી રદ

મુંબઈ: સોલાપુર જિલ્લાના માલશિરસ મતવિસ્તારમાં આવેલા મરકડવાડી ગામમાં મંગળવારે વિધાનસભાની ફેર-ચૂંટણી બૅલટ પેપરના આધારે યોજાવાની હતી, પરંતુ પોલીસે મધ્યસ્થી કર્યા બાદ આ ચૂંટણી પડતી મુકવામાં આવી હોવાનું એનસીપી-એસપીના વિજયી થયેલા ઉમેદવારે જણાવ્યું હતું.

ગામવાસીઓ જો ફેર-ચૂંટણી કરાવવા માટે આગળ આવ્યા તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી આપ્યા બાદ તેઓએ ચૂંટણી પડતી મૂકી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

અગાઉ મરકડવાડી ગામમાં ત્રીજી ડિસેમ્બરે વિધાનસભાની ફેર-ચૂંટણી યોજવામાં આવશે એવા બેનરો લાગ્યા હતા. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી-એસપીના ઉમેદવાર ઉત્તમ જણકરે ભાજપના ઉમેદવાર રામ સાતપુતેને ૧૩,૧૪૭ મતથી માત આપી હતી.

આપણ વાંચો: NCP વિધાન સભ્યના સમર્થકોએ કેમ રદ કરવી પડી બેલેટ પેપરથી ચૂંટણી?

જણકરના વિજય બાદ ગામવાસીઓએ દાવો કર્યો હતો કે તેઓએ સાતપુતેને મત આપ્યો હોવાથી તેમની હાર થાય તે શક્ય જ નથી અને તેમને ઇવીએમ પર શંકા વ્યક્ત કરી હતી. ફેર-ચૂંટણીની જાહેરાત કર્યા બાદ કોઇ તંગદિલી ઊભી ન થાય અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખીને માલશિરસના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સોમવારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ બીજી ડિસેમ્બરથી પાંચમી ડિસેમ્બર સુધી વિસ્તારમાં પ્રતિબંધિત આદેશ જાહેર કર્યો હતો.

ગામવાસીઓએ ફેર-ચૂંટણી માટેની બધી વ્યવસ્થા પણ કરી હોવાથી મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

આપણ વાંચો: મહારાષ્ટ્રના આ ગામમાં મંગળવારે વિધાનસભાની ફેરચૂંટણી, ગ્રામજનો સીધા બેલેટ પેપર પર મતદાન કરશે…

અમે ગામવાસીઓને સમજાવી દીધું હતું કે જો એક પણ મત આપવામાં આવ્યો તો સંબંધિતો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ત્યાર બાદ ફેર-ચૂંટણી રદ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી સુપરિન્ટેડેન્ટ પોલીસ (માલશિરસ ડિવિઝન) નારાયણ ક્ષિરસાગરે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button