ઉદ્ધવ ઠાકરે 'બે મોઢાવાળો કોબ્રા' છે, બેવડા ધોરણો અપનાવે છે: શેલાર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરે ‘બે મોઢાવાળો કોબ્રા’ છે, બેવડા ધોરણો અપનાવે છે: શેલાર

મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી નાગરિક સંસ્થાઓના ચૂંટણી પ્રચારમાં પાછલા દિવસોમાં નાગ અને સાપની એન્ટ્રી થઇ છે! મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપ નેતા આશિષ શેલારે બુધવારે શિવસેના (યુબીટી) ના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને “બે મોંવાળો કોબ્રા” ગણાવ્યો અને તેમના પર બેવડા ધોરણો અપનાવવાંનો આરોપ લગાવ્યો હતો.

ઠાકરેએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મુંબઈને “ગળી” જવા માંગતા એનાકોન્ડા ગણાવ્યાના તેના બે દિવસ બાદ આ હુમલો થયો છે. શેલારે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે ઠાકરે પોતાને વાઘ કહે છે પણ શિયાળ જેવું વર્તે છે. તે બીજાને એનાકોન્ડા કહે છે પણ ઝેરી સાપ જેવું વર્તે છે. તે મુંબઈના વિભાજન વિશે અફવાઓ ફેલાવે છે અને પછી શહેરનું શોષણ કરે છે.

આ પણ વાંચો : શિવસેના યુબીટીની હાલત મુંબઈની ‘જોખમી’, ‘જર્જરિત’ ઇમારતો જેવી: શેલાર

ભાજપ નેતાએ કહ્યું કે ઠાકરે ભાજપ કાર્યાલયો પર સવાલ ઉઠાવે છે પણ પોતાનું નવું નિવાસસ્થાન “માતોશ્રી-૨” બનાવે છે. ઠાકરેનું રાજકારણ ફક્ત બીજાઓ વિશે ટિપ્પણી કરવા પૂરતું સીમિત છે. સામનાનું તંત્રીલેખક પાનું ખાલી થઈ જશે કારણ કે તેમની પાસે બતાવવા માટે કોઈ કામ નથી. તેઓ બીજાના ખાડામાં રહેલા સાપની જેમ કામ કરે છે.

સેના (યુબીટી) ને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપતા, ભાજપના નેતાએ કહ્યું, “તમારે જાણવું જોઈએ કે છેલ્લા 25 વર્ષથી (જ્યારે અવિભાજિત શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકા પર નિયંત્રણ રાખ્યું હતું) મુંબઈને કોણે પાછળ રાખ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારે મુંબઈને તે પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે કામ કર્યું.

આ પણ વાંચો : શિવસેના (યુબીટી), કોન્ટ્રાક્ટરોએ ડ્રેનેજ સિસ્ટમ માટે ફાળવેલા ભંડોળનો દુરુપયોગ કર્યો: આશિષ શેલાર

તેમણે ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા ફ્લાયઓવર, અટલ સેતુ, કોસ્ટલ રોડ, મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સ સહિત વિવિધ કાર્યોની પણ યાદી આપી. “પેંગ્વિન લાવવા સિવાય તમે મુંબઈ માટે શું કર્યું છે,” એવો સવાલ શેલારે પૂછ્યો હતો. શેલારે ઠાકરે પર નિશાન સાધતા કહ્યું, “તમે મરાઠી ગૌરવની વાત કરો છો, પણ મરાઠી લોકોને મુંબઈ છોડવા કોણે મજબૂર કર્યા? અમે સત્ય બોલવા તૈયાર છીએ, પણ તમે તેનાથી દૂર જાઓ છો.”

શાહની મુંબઈ મુલાકાત અંગે શેલારે કહ્યું, “અમિત શાહનો મુંબઈકર સાથેનો સંબંધ તમારા કરતાં વધુ ગાઢ છે. તમે એક વખત ગણેશોત્સવ અને દહીં હાંડીની ઉજવણીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપની આગેવાની હેઠળની સરકારે આ કાર્યક્રમોને ટેકો આપ્યો હતો અને તેનો પ્રચાર કર્યો હતો.વડાપ્રધાન અને અમિત શાહ આ ઉત્સવોમાં ભાગ લે છે. ગણેશ ઉત્સવ દરમિયાન તમે ક્યાં હોવ છો? શું તમે ક્યારેય ચૈત્યભૂમિની મુલાકાત લો છો? શું તમે ક્યારેય સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરને માન આપ્યું છે? તમે કોંગ્રેસને ટેકો આપો છો, જેણે સાવરકરનું અપમાન કર્યું છે, અને હજુ પણ હિન્દુત્વ અને મરાઠી ગૌરવ વિશે વાત કરો છો.”

આ પણ વાંચો : મુંબઈમાં 12 દિવસ પહેલા આવ્યું ચોમાસુ! ભારે વરસાદે તબાહી મચાવી, આ વિસ્તારોમાં હાઈ એલર્ટ…

શેલારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે શાહની મુલાકાત પછી ઠાકરેની પ્રતિક્રિયા રાજ્યમાં આગામી નાગરિક સંસ્થાની ચૂંટણીઓ પહેલાં હારનો ડર દર્શાવે છે. “તેઓ ડરે છે તે સારું છે,” તેમણે ઉમેર્યું.
મંગળવારે, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઠાકરેની તુલના “મુંબઈના ખજાનાને વીંટળાઈને બેઠેલા કાયમી અતૃપ્ત એનાકોન્ડા” સાથે કરી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button