માથે દેવું વધી જતાં યુવાને કલવાની ખાડીમાં ઝંપલાવ્યું

થાણે: માથે દેવું વધી જતાં થાણેમાં રહેતા યુવાને કલવાની ખાડીમાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે બબલુ વિશ્ર્વકર્મા (35) વાગળે એસ્ટેટ સ્થિત ઈન્દિરા નગરમાં રહેતો હતો. તેણે શનિવારની સાંજે સાત વાગ્યાની આસપાસ કલવાના સાકેત બ્રિજ પરથી ખારીગાંવ ખાડીમાં કૂદકો માર્યો હતો.
આ પણ વાંચો: કબ્રસ્તાનમાંથી મળી આવ્યા મૃતદેહો અને થયો સનસનાટીભર્યા ડબલ મર્ડરનો પર્દાફાશ….
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટની ટીમે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જોકે વિશ્ર્વકર્માની કોઈ ભાળ ન મળતાં રાતે ઑપરેશન અટકાવી દેવાયું હતું. રવિવારની સવારે સાત વાગ્યે ફરી શોધ હાથ ધરવામાં આવતાં ચાર કલાક બાદ વિશ્ર્વકર્માનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે વિશ્ર્વકર્માના માથે દેવું વધી ગયું હોવાથી તેણે અંતિમ પગલું ભર્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કલવા પોલીસે એડીઆર નોંધ્યો હતો. (પીટીઆઈ)