આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં વેપારી સાથે એક કરોડની છેતરપિંડી આચરનારની ધરપકડ

નાશિક: આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં નાશિકના વેપારી સાથે એક કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ 30 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની ઓળખ ગૌરવ રામછેશ્ર્વર મિશ્રા તરીકે થઇ હતી, જે કથિત રીતે પોલીસ યુનિર્ફોમ પહેરી લાલબત્તીવાળા વાહનમાં ફરતો હતો અને ઇન્ડિયન રેલવે બોર્ડમાં ઇન્સ્પેક્ટર જનરલના બનાવટી આઇડી કાર્ડનો ઉપયોગ કરતો હતો.
આરોપીએ 2018માં વેપારી સાથે પરિચય કેળવ્યો હતો અને બાદમાં તેનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. આરોપીએ રેલવેનો કોન્ટ્રેક્ટ મેળવી આપવાનું આશ્ર્વાસન વેપારીને આપ્યું હતું અને વિવિધ કારણોસર તેની પાસેથી એક કરોડ રૂપિયા લીધા હતા.
આપણ વાંચો: ઠગોથી સાવધાન! અમેરિકાના વિઝા અપાવવાના નામે અમદાવાદમાં રૂ. 41.75 લાખની છેતરપિંડી…
દરમિયાન આરોપીએ છેતરપિંડી આચરી હોવાનું ધ્યાનમાં આવતાં વેપારીએ પોતાના રૂપિયા પાછા માગ્યા હતા. આરોપીએ વેપારીને કૉલ કરી 13 ઑક્ટોબરે એક હોટેલમાં બોલાવ્યો હતો, જ્યાં તેને રિવોલ્વર દાખવીને ધમકાવ્યો હતો.
આરોપીએ વેપારી પાસે દર મહિને રૂ. પાંચ લાખની માગણી કરી હતી અને પોલીસ વિભાગમાં તેના પ્રભાવનો ઉપયોગ કરી તેની સામે બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
વેપારીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગૌરવ મિશ્રા વિરુદ્ધ રવિવારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી, એમ પણ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)