આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગર્ભપાતની દવા વેચતા મેડિકલ રિપ્રેઝન્ટેટિવની ધરપકડ

કેમિસ્ટ અને ડોક્ટરોને એ વેચતો હતો

મુંબઈ: દવાની દુકાનો, ડોક્ટરોને ગર્ભપાતની ગોળીઓ વેચવા બદલ વાલિવ પોલીસે 42 વર્ષના મેડિકલ રિપ્રેઝન્ટેટિવની ધરપકડ કરી હતી. ગર્ભપાતની ગોળીઓ બાદમાં કાળાબજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતી હતી.

પોલીસને માહિતી મળી હતી કે દવાની દુકાન અને ડોક્ટરો દ્વારા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી (એમટીપી) કિટનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આથી પોલીસની ટીમે નાલાસોપારાના શિર્ડીનગરમાં ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ એક્ઝિક્યુટીવ અજિત પાંડેના નિવાસે રેઇડ પાડી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે ત્યાંથી ગર્ભપાતની ગોળીઓના 30 બોક્સ જપ્ત કર્યા હતા, જેની કિંમત રૂ. 1.30 લાખ હતી, જે અજિત કાળાબજારમાં વેચવાનો હતો. પાંચ ગોળી ધરાવતી દરેક કિટની કિંમત રૂ. 60 છે, પણ તે કાળાબજારમાં રૂ. પાંચ હજાર, 10 હજારમાં વેચાઇ રહી હતી.

આ પણ વાંચો: નવી મુંબઈમાં સીબીઆઈએ લાંચના કેસમાંઆરપીએફના અધિકારીની ધરપકડ કરી

અજિત પાસે દવા વેચવાનું લાઇસન્સ નહોતું, જેને પગલે તેની ધરપકડ કરાઇ હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ ટેબ્લેટ્સ દવાની દુકાનો અને ખાનગી ડોક્ટરોને વેચવામાં આવતી હતી. દરમિયાન ડ્રગ્સ ઇન્સ્પેક્ટર કિશોર રાંજનેએ અજિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ગોળીઓ પુણેમાં બનાવવામાં આવતી હતી અને બાદમાં તેને ઉત્તર પ્રદેશ લઇ જવાતી હતી. અજિત ઉત્તર પ્રદેશનો વતની હોઇ તે ત્યાંથી ગોળીઓ મેળવતો હતો અને બાદમાં દવાની દુકાનો, ડોક્ટરોને વેચતો હતો.

વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જયરાજ રનાવરેએ જણાવ્યું હતું કે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે માહિતી આપ્યા બાદ અમે અજિતના નિવાસે રેઇડ પાડી હતી અને તેની ધરપકડ કરી હતી. અજિત પાંડેના કયા ક્લાયન્ટ છે તે તેની પાસેથી ગોળીઓ ખરીદતા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button