પોલીસ વૅનમાં આરોપીએ બ્લૅડથી પોતાનું જ ગળું ચીર્યું
થાણે સેન્ટ્રલ જેલમાં જવાનો વિરોધ કર્યા છતાં આરોપીને કલ્યાણની જેલમાંથી ખસેડવામાં આવી રહ્યો હતો

થાણે: અનિચ્છાએ થાણે સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવી રહેલા આરોપીએ પોલીસ વૅનમાં બ્લૅડથી પોતાનું જ ગળું ચીર્યું હોવાની ઘટના બની હતી. કલ્યાણ જેલમાંથી લઈ જતી વખતે આરોપીએ મોઢામાં બ્લૅડ સંતાડી રાખી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના કલ્યાણ શહેરમાં આધારવાડી સિગ્નલ નજીક ગુરુવારની સવારે 11.15 વાગ્યે બની હતી. પોતાનું જ ગળું ચીરનારા આરોપીની ઓળખ સૂરજ શંકર સિંહ ઉર્ફે વીરેન્દ્ર મિશ્રા (29) તરીકે થઈ હતી.
આપણ વાંચો: બદલાપુરમાં પુત્રએ પિતાનું ગળું ચીર્યું
મિશ્રાને થાણે સેન્ટ્રલ જેલમાં ખસેડવાનો આદેશ જારી કરાયો હતો, જેનો મિશ્રાએ વિરોધ કર્યો હતો. થાણે સેન્ટ્રલ જેલમાં જવાની ના પાડી દીધી હોવા છતાં તેને કલ્યાણની જેલમાં લઈ જવાઈ રહ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ મિશ્રાએ વૅનમાં પોલીસ કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો અને પછી મોઢામાં સંતાડી રાખેલી બ્લૅડ કાઢી હતી. તેણે પોલીસ કર્મચારીઓને ધમકી આપી હતી કે તેને ફરી કલ્યાણ જેલ લઈ જવામાં નહીં આવે તો તે બ્લૅડથી પોતાનું ગળું ચીરી નાખશે.
આપણ વાંચો: સ્કિઝોફ્રેનિયાથી પીડાતા યુવાને કબ્રસ્તાનના કૅરટેકરનું ગળું ચીર્યું
વૅનમાં હાજર પોલીસ ટીમે મિશ્રાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક કર્મચારીને ધક્કો મારી તેણે દૂર ખસેડ્યો હતો. બાદમાં બ્લૅડ પોતાના ગળા પર ફેરવી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા મિશ્રાને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ પ્રકરણે ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 132, 351(2) અને 352 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે કયા ગુનામાં મિશ્રાની ધરપકડ કરાઈ હતી તે અંગે પોલીસે કોઈ ચોખવટ કરી નહોતી. (પીટીઆઈ)