મુંબઈમાં હવા ઝેરી બની રહી છે! આ વિસ્તારોમાં બાંધકામ સહિત આ પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ

મુંબઈ: દેશનાં પાટનગર દિલ્હીમાં ગંભીર વાયુ પ્રદુષણ સતત ચર્ચામાં રહે છે, પ્રદુષણ પર નિયંત્રણ રાખાવા માટે વિવિધ સ્તર પર ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP) લાગુ કરવામાં આવે છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ વાયુ પ્રદુષણ સતત વધી રહ્યું છે, એવામાં શહેરના કેટલાક ભાગોમાં GRAP 4 હેઠળ કડક લાગુ કરીને પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.
મુંબઈના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ અને ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચતા તંત્ર સક્રિય થઈ ગયું છે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશ(BMC)એ GRAP 4 હેઠળ પ્રતિબંધો લાગુ કરવાનું શરૂ કર્યું છે. અહેવાલ મુજબ માઝગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી પૂર્વ, ચકલા-અંધેરી પૂર્વ, નેવી નગર, પવઈ અને મુલુંડમાં GRAP 4 પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
આ પ્રવૃતિઓ પર પ્રતિબંધ:
BMCએ આ વિસ્તારોમાં બાંધકામ અને ધૂળ ઉત્પન્ન કરતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધો લગાવ્યા છે, અને કેટલાક સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે. 50 થી વધુ કન્સ્ટ્રકશન સાઈટ્સને કામ બંધ કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. બેકરીઓ અને માર્બલ-કટીંગ યુનિટ્સ સહિતના નાના ઉદ્યોગોને સાવધાનીપૂર્વક કામ કરવા નહીં તો કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા ચેતવણી આપવામાં આવી છે.
BMCએ વોર્ડમાં ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત કરી છે, આ સ્ક્વોડમાં એન્જિનિયરો, પોલીસ અધિકારીઓઅને GPS-ટ્રેકવાળા વાહનોનો સમાવેશ થાય છે, અધિકારીઓ પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ માટે વિસ્તારોનું સ્કેનિંગ કરી રહ્યા છે.
હવા ઝેરી બની:
છેલ્લા બે અઠવાડિયામાં મુંબઈના ઘણા વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ ‘ખૂબ જ ખરાબ’ અને ‘ગંભીર’ શ્રેણીઓમાં નોંધાયો હતો. કેટલાક વિસ્તારોના રહેવાસીઓએ આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં દુખાવો થવો જેવી ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો…અમદાવાદ પ્રદૂષણના ભરડામાં, AQI 300ને પાર



