ફડણવીસના રાજમાં ગુનેગારો પોલીસથી ડરતા નથી: અનિલ દેશમુખનો આરોપ
મુંબઈ: બદલાપુર મુદ્દે સરકારને ઘેરવામાં વિપક્ષોએ કોઈ કસર બાકી રાખી નથી ત્યારે પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ મૂક્યો હતો. ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દેખરેખ હેઠળ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. પોલીસને ખુલ્લેઆમ મારવામાં આવે છે અને ગુનેગારોને હવે પોલીસનો કોઈ ડર નથી, એવો આરોપ એનસીપીના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખે લગાવ્યો હતો.
અનિલ દેશમુખની ટિપ્પણી બદલાપુરની એક શાળામાં ચાર વર્ષની બે બાળકીઓના કથિત જાતીય હુમલો અને પુણેમાં પોલીસ અધિકારી પર હુમલાના આક્રોશ વચ્ચે આવી છે. રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાને માંગ કરી હતી કે કેન્દ્ર મહારાષ્ટ્ર સરકારના શક્તિ કાયદાને મંજૂરી આપે, જે મહિલાઓ સામેના ઘૃણાસ્પદ અપરાધો માટે મૃત્યુદંડની સજા સૂચવે છે. જો આ કાયદો અમલમાં હોત તો મહિલાઓ સામેના ગુના ન થયા હોત, એમ તેમણે દાવો કર્યો હતો.
આ પણ વાંચો : ‘બધી જ દીકરી આપણી છે, તો પછી કોલકાતા મુદ્દે વિપક્ષ કેમ ચૂપ?’: દેવેન્દ્ર ફડણવીસ
“કેન્દ્રમાં ભાજપ સરકાર છે. શક્તિ કાયદો છેલ્લા ત્રણ વર્ષથી મંજૂરી (રાષ્ટ્રપતિની સંમતિ) માટે પેન્ડિંગ છે. કાયદો બળાત્કાર જેવા ગુનાના ગુનેગારો માટે મૃત્યુદંડ સહિતની કડક સજા સૂચવે છે. જો કે, સરકાર મહિલાઓના મુદ્દાઓ પર બિલકુલ ગંભીર જણાતી નથી,” દેશમુખે આક્ષેપ કર્યો હતો.
રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાને આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’નો ઉપયોગ કરી રહી છે. આ યોજના બંધ કરવામાં આવશે તેવી આગાહી તેમણે કરી હતી