અનિલ અંબાણીની મુશ્કેલી વધીઃ રિલાયન્સ ઇન્ફ્રા પર ઈડીની કાર્યવાહી, 6 સ્થળે દરોડા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અનિલ અંબાણીની મુશ્કેલી વધીઃ રિલાયન્સ ઇન્ફ્રા પર ઈડીની કાર્યવાહી, 6 સ્થળે દરોડા

ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસ: વિદેશમાં ગેરકાયદે નાણાં મોકલવાના આરોપો

મુંબઈ: નાણાકીય વિવાદોને લઈને અનિલ અંબાણી અવારનાવર ચર્ચામાં આવતા રહે છે. આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આર ઇન્ફ્રા)ના ઇન્દોર અને મુંબઈમાં છ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ વિદેશમાં કથિત ગેરકાયદે નાણાં મોકલવાના આરોપોની તપાસના ભાગરૂપે કરવામાં આવી હતી.

આર ઇન્ફ્રા પર SEBIના આરોપ

PMLA હેઠળની આ કાર્યવાહી SEBIના એક અહેવાલ પર આધારિત છે. SEBIના એક અહેવાલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, અનિલ અંબાણીની આર ઇન્ફ્રાએ CLE નામની કંપની મારફતે ઇન્ટર-કોર્પોરેટ ડિપોઝિટ (ICD) દ્વારા ભંડોળ વાળ્યું હતું. આ સિવાય એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે આર ઇન્ફ્રાએ શેરધારકોની મંજૂરી ટાળવા માટે CLEને તેના “સંબંધિત પક્ષ” તરીકે જાહેર કર્યું નહોતું.

આ પણ વાંચો : અનિલ અંબાણીની મુશ્કેલી વધી, 17,000 કરોડના ફ્રોડ કેસમાં ઈડીએ નવી વિગતો માગી

ઈડીએ પહેલેથી જ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આર ઇન્ફ્રા સહિત અનિલ અંબાણી જૂથની ઘણી કંપનીઓ દ્વારા રૂ. 17,000 કરોડથી વધુની કથિત નાણાકીય અનિયમિતતાઓ અને મોટા પાયે લોન ડાયવર્ઝનની તપાસ કરી રહી છે, જ્યારે આજે આર ઇન્ફ્રાના ઇન્દોર અને મુંબઈમાં છ સ્થળોએ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આર ઇન્ફ્રાએ ગેરરીતિનો કર્યો ઇનકાર

રિલાયન્સ જૂથે અગાઉ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો હતો. R ઇન્ફ્રા કંપનીએ જણાવ્યું હતું કે, રૂ. 10,000 કરોડની રકમ અજાણ્યા પક્ષને ટ્રાન્સફર કરવાનો કથિત મામલો 10 વર્ષ જૂનો છે. કંપનીએ ફેબ્રુઆરી 2025માં જાહેરમાં ખુલાસો કર્યો હતો કે તેનું રોકાણ ફક્ત રૂ. 6,500 કરોડ હતું.

આ પણ વાંચો : અનિલ અંબાણીની કંપનીના 3000 કરોડના લોન કૌભાંડમાં પહેલી ધરપકડ, અનિલને પણ કરાશે જેલભેગો ?

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે એક નિવેદનમાં કહ્યું હતું કે, નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ દ્વારા મધ્યસ્થી કાર્યવાહી અને બોમ્બે હાઇકોર્ટમાં દાખલ કરાયેલા દાવા દ્વારા, કંપનીએ તેના રૂ. 6,500 કરોડના રોકાણના 100 ટકા વસૂલવા માટે કરાર કર્યો હતો. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે અનિલ અંબાણી માર્ચ 2022થી આર ઇન્ફ્રાના બોર્ડમાં નહોતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button