આંગડિયાના ડ્રાઈવરે જ 2.70 કરોડ રૂપિયા ચાંઉ કરવા રચ્યું લૂંટનું નાટક: બેની ધરપકડ
બેભાન કર્યા બાદ હાથ-પગ બાંધી પાંચ લૂંટારાએ રોકડ લૂંટ્યાનું જુઠ્ઠાણું તપાસમાં ઉઘાડું પડ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના સી. પી. ટૅન્ક પરિસરમાં આંગડિયાના ડ્રાઈવરે 2.70 કરોડની રોકડ ચાંઉ કરવા લૂંટનું નાટક રચ્યું હોવાનું તપાસમાં સામે આવતાં પોલીસે ડ્રાઈવર સહિત બેની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ બૈજનાથ રામલખન ગુપ્તા ઉર્ફે પિંટુ અને ઈબ્રાહિમ અબ્દુલ રહીમ શેખ તરીકે થઈ હતી. કોર્ટે બન્ને આરોપીને બાવીસ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.
અધિકારીના જણાવ્યા મુજબ મસ્જિદ બંદરમાં આવેલા આંગડિયાની એક ઑફિસ લોઅર પરેલમાં પણ છે. આરોપી ગુપ્તા છેલ્લાં 10 વર્ષથી આંગડિયાની ઑફિસમાં કામ કરતો હોવાથી રોકડના વ્યવહારથી તે સારી પેઠે જાણકાર હતો.
આ પણ વાંચો: એન્ટિવાયરસ રિન્યૂ કરવાને નામે અમેરિકનોને છેતરતા કૉલ સેન્ટરનો પર્દાફાશ: 13ની ધરપકડ
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 10 સપ્ટેમ્બરની રાતે આઠ વાગ્યાની આસપાસ વી. પી. રોડ પોલીસ સ્ટેશનથી થોડે જ અંતરે સી. પી. ટૅન્ક વિસ્તારમાં બની હતી. કંપનીની કાર લઈને ગુપ્તા વેપારીઓ પાસેથી રોકડ એકઠી કરવા ગયો હતો. અમુક વેપારીઓની રોકડ લઈને તે રાતે પાછો ઑફિસે આવવાનો હતો.
જોકે રાત થયા છતાં ગુપ્તા ઑફિસે પાછો ન ફરતાં ફરિયાદીએ તેના મોબાઈલ પર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. રિંગ વાગવા છતાં ગુપ્તા કૉલ રિસીવ કરતો નહોતો. આખરે ફરિયાદી તેને શોધવા સી. પી. ટૅન્ક નજીક ગયો હતો. ફરિયાદીને કંપનીની કાર એક સ્થળે પાર્ક કરાયેલી નજરે પડી હતી. કારમાં ગુપ્તા બેભાન હતો અને તેના હાથ-પગ રસ્સીથી બાંધેલા હતા. ફરિયાદીએ તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: હાઉસિંગ સોસાયટીના પ્રકરણમાં લાંચ માગવા બદલ સિડકોના ત્રણ કર્મચારીની ધરપકડ
સારવાર બાદ ભાનમાં આવેલા ગુપ્તાએ જણાવ્યું હતું કે વેપારીઓ પાસેથી રોકડ જમા કર્યા પછી તે કારમાં બેઠો ત્યારે ચારથી પાંચ લૂંટારા નજીક આવ્યા હતા. બેભાન કરી હાથ-પગ બાંધ્યા બાદ લૂંટારા રોકડ ભરેલી બૅગ લૂંટી ફરાર થઈ ગયા હતા. બૅગમાં 2.70 કરોડ રૂપિયા હતા. આ પ્રકરણે વી. પી. રોડ પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં લૂંટની કોઈ ઘટના બની ન હોવાનું જાણવા મળ્યું હતું. એ સિવાય આસપાસના દુકાનદારોની પણ પૂછપરછમાં આવું કંઈ બન્યાની ખાતરી થઈ નહોતી. આખરે પોલીસે ગુપ્તાને તાબામાં લઈ પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: થાણેમાં સેક્સ રેકેટ ચલાવવા બદલ અભિનેત્રીની ધરપકડ
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઉત્તર પ્રદેશના જોનપુરના વતની ગુપ્તાએ જ તેના બે સાથી સાથે મળી લૂંટનું નાટક ઘડ્યું હતું. પોલીસે ગુપ્તાના એક સાથી ઈબ્રાહિમ શેખને મધ્ય પ્રદેશથી તાબામાં લીધો હતો, જ્યારે બીજાની શોધ ચાલુ છે. પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટની અમુક રકમ હસ્તગત કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.