અંધેરીમાં પિતા-દાદાનું ગળું ચીરી હત્યા કરી યુવક પોલીસને શરણે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અંધેરીમાં પિતા-દાદાનું ગળું ચીરી હત્યા કરી યુવક પોલીસને શરણે

દારૂના નશામાં રોજ રોજની ધમાલથી યુવક કંટાળ્યો હતો: કાકાના ગળા પર પણ ચાકુ ફેરવતાં ગંભીર જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
અંધેરીમાં બનેલી આંચકાજનક ઘટનામાં દારૂના નશામાં રોજ રોજ ધમાલ કરનારા પિતા-દાદાથી કંટાળેલા યુવકે ઘાતકી પગલું ભર્યું હતું. પિતા અને દાદાનું ગળું ચીરી હત્યા કર્યા બાદ આરોપીએ કાકાના ગળા પર પણ ચાકુ ફેરવ્યું હતું. ઘટના બાદ આરોપી ચાકુ સાથે પોલીસની બીટ ચોકીમાં પહોંચ્યો હતો અને આત્મસમર્પણ કર્યું હતું..

એમઆઈડીસી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ચેતન મનોજ ભાતરે (23) તરીકે થઈ હતી. ચેતને પિતા મનોજ (56) અને દાદા બાબુભાઈ ભાતરે (79)ની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સિનિયર ઈન્સ્પેક્ટર રવીન્દ્ર વાણીએ જણાવ્યું હતું કે ઘટના અંધેરી પૂર્વમાં મહાકાલી ગુફા રોડ પરના તક્ષશિલા પરિસરમાં આવેલી સંતોષી માતા ચાલમાં મંગળવારની મધરાત બાદ બની હતી. મનોજ અને બાબુભાઈને દારૂ પીવાનું વ્યસન હતું. રોજ રાતે બન્ને દારૂના નશામાં ઘરમાં ઝઘડો કરતા હતા અને આરોપી પાસેથી રૂપિયા માગતા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં બર્થ ડે બોયની હત્યા કરનારો સાયકો કિલર ઝડપાયો, જાણો પોલીસે કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન…

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પિતા-દાદાની રોજની ધમાલથી ચેતન કંટાળ્યો હતો. કૉલ સેન્ટરમાં કામ કરતી બહેન નોકરીએ ગઈ હતી, જ્યારે નાનો ભાઈ ગરબા રમવા ગયો હતો ત્યારે મધરાત બાદ બે વાગ્યાની આસપાસ ચેતને આ કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે.

મનોજ અને બાબુભાઈ ધમાલ કરતાં રોષે ભરાયેલા ચેતને ચાકુથી બન્નેનાં ગળા પર ઘા ઝીંક્યાં હતાં, જેમાં બન્નેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મધ્યસ્થી કરનારા કાકા અનિલ (45)ના ગળા પર પણ ચાકુનો ઘા કરવામાં આવ્યો હતો. જોકે જીવ બચાવવા અનિલ ઘર બહાર ભાગી ગયો હતો. રહેવાસીઓ અને પોલીસે અનિલને જોગેશ્ર્વરીની ટ્રોમા કૅર સેન્ટરમાં દાખલ કરાવ્યો હતો. અનિલની હાલત ગંભીર હોવાનું પોલીસનું કહેવું છે.

આ પણ વાંચો: રમેશ ફેફરની આત્મહત્યાઃ મહાનતાનો ભ્રમ શું છે આ માનસિક બીમારી, જાણો વિગતવાર

હુમલા બાદ ચેતન ચાકુ સાથે જ ઘર નજીકની બીટ ચોકીમાં ગયો હતો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ચેતનના ઘરે જઈ ઘટનાની ખાતરી કરી હતી. મનોજ અને બાબુભાઈના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી દેવાયા હતા. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button