આમચી મુંબઈ

અંધેરીમાં ડિલિવરી બૉયની હત્યાનો ભેદ ઉકેલાયો: યુપીમાં બે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
અંધેરીમાં ડિલિવરી બૉયનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યાના બે દિવસમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીને ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યા હતા. પકડાયેલા બેમાંથી એક આરોપીનું મૃતકની પત્ની સાથે અગાઉ અફૅર હતું અને તેણે જ આ હત્યાની યોજના બનાવી હતી, એવું તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ અંધેરી પૂર્વમાં પાઈપલાઈન પરિસરમાંના એક ખાલી પ્લૉટ પરથી મંગળવારે મોહિત સોની (30)નો મૃતદેહ મળી આવ્યો હતો. માથામાં ભારે વસ્તુ ફટકારી તેની કથિત હત્યા કરવામાં આવી હતી. સોની અંધેરીમાં પત્ની સાથે રહેતો હતો અને ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. આ કેસમાં યુપીના ગોન્ડા ખાતે રહેતા બન્ને આરોપી રોહિત ગંગારામ પાલ (24) અને મનોજકુમાર વિશ્ર્વનાથ સોની (25)ને પકડી પાડવામાં આવ્યા હતા.

સોનીનો મૃતદેહ મળતાં જ અંધેરી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે આરોપીની ઓળખ મેળવી હતી. બન્ને આરોપી હત્યા બાદ ટ્રેનથી યુપી રવાના થયા હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ યુપી પહોંચી હતી.

આ પણ વાંચો: ઘાટકોપરમાં મિલકત વિવાદમાં વૃદ્ધાની હત્યા: સાવકા પુત્રની પત્નીની ધરપકડ

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સોનીની પત્ની યુપીમાં રહેતી હતી ત્યારે બેમાંથી એક આરોપીને તેની સાથે અફૅર હતું. આ અંગે સોનીને જાણ થતાં તેણે આરોપીની મારપીટ કરી હતી. એ સિવાય તાજેતરમાં આરોપીનાં લગ્ન નક્કી થયાં હતાં, પરંતુ સોનીએ ક્ધયાના પરિવારજનોને ફોન પર માહિતી આપતાં લગ્ન તૂટી ગયાં હતાં.

કહેવાય છે કે આ જ કારણોસર આરોપી ગિન્નાયો હતો અને તેણે સોનીની હત્યાની યોજના બનાવી હતી. મંગળવારની સવારે આરોપી સાથી સાથે અંધેરી આવ્યો હતો. તેણે પાઈપલાઈન રોડ પાસેના નિર્જન પ્લૉટમાં સોનીને દારૂ પીવા બોલાવ્યો હતો.
દારૂ પિવડાવ્યા પછી આરોપીએ માથામાં લાકડું ફટકારી સોનીની હત્યા કરી હતી. હત્યા બાદ બન્ને આરોપી યુપી ફરાર થઈ ગયા હતા.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button