ડેટિંગ ઍપ પર ફૅશન સ્ટાઈલિસ્ટનો ફૅક પ્રોફાઈલ બનાવનારા વિરુદ્ધ ગુનો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડેટિંગ ઍપ પર અજાણ્યા શખસે ફૅક પ્રોફાઈલ બનાવતાં અંધેરીની ફૅશન સ્ટાઈલિસ્ટને મુલાકાત માટેના અનેક મેસેજ અને કૉલ આવવા લાગ્યા હતા. પરેશાન થઈ ગયેલી 43 વર્ષની ફૅશન સ્ટાઈલિસ્ટે નોંધાવેલી ફરિયાદને આધારે અંબોલી પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી છેલ્લાં ત્રણ વર્ષથી પતિ સાથે અંધેરીમાં રહે છે. તેનું પબ્લિક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે અને તેના પર વ્યવસાય અર્થે તેણે પોતાનો મોબાઈલ નંબર પર નોંધી રાખ્યો છે.પોલીસે જણાવ્યું હતું કે જૂન મહિનાથી મહિલાના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબરો પરથી શંકાસ્પદ મેસેજ આવવા લાગ્યા હતા.
મેસેજમાં ‘તેં મને મળવા બોલાવ્યો હતો’ એવા મતલબનું લખાણ રહેતું. શરૂઆતમાં મહિલાએ આ મેસેજીસ તરફ ધ્યાન આપ્યું નહોતું, પરંતુ મેસેજીસ આવવાનું પ્રમાણ ખાસ્સું વધી જતાં તેણે નંબરો બ્લૉક કરવાનું શરૂ કર્યું હતું.ફરિયાદ અનુસાર 6 ઑગસ્ટે અજાણ્યા શખસે મહિલાના પતિના મોબાઈલ નંબર પર કૉલ કર્યો હતો અને ‘તમે તેના મૅનેજર છો?’ એવું પૂછ્યું હતું.
શંકા જતાં દંપતીએ તપાસ કરી હતી. તપાસમાં મહિલાના નામે એક ડેટિંગ ઍપ પર ફૅક પ્રોફાઈલ બનાવવામાં આવ્યો હોવાનું જણાયું હતું. વળી, એ પ્રોફાઈલમાં આરોપીએ સ્ટાઈલિસ્ટ અને તેના પતિના મોબાઈલ નંબર નોંધ્યા હતા. મહિલાને અશ્ર્લીલ ચૅટ્સ અને વીડિયો કૉલ્સ માટે પણ મેસેજીસ અને કૉલ્સ આવવા લાગ્યા હતા. આખરે કંટાળેલી મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ મામલે ગુનો નોંધી પોલીસ સાયબર સેલની મદદ લઈ રહી છે



