ગણેશોત્સવમાં મળશે ‘આનંદાચા શિધા’: એકનાથ શિંદેનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના લોકો માટે મોટો નિર્ણય લીધો છે, જેના હેઠળ રાજ્યના લોકો માટે ગણેશોત્સવ દરમિયાન રૂ. 560 કરોડના ‘આનંદાચા શિધા’ આપવા જઈ રહી છે. રાજ્યના 1.70 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને આ કિટ થેલીમાં આપવામાં આવશે. આ બાબતે શિંદે સરકાર દ્વારા એક આદેશ બહાર પાડીને મંજૂરી આપી દેવામાં આવે છે.
આનંદાચા શિધા રાજ્ય સરકાર દ્વારા રેશનિંગમાં વિશેષ રાહત દરે આપવામાં આવતી આખી કિટ છે. જેમાં એક કિલો રવો, એક કિલો ચણાની દાળ, એક કિલો સાકર અને એક લીટર તેલની થેલી આપવામાં આવે છે. ગૌરી-ગણપતિ નિમિત્તે રેશનિંગની કિટનું વિતરણ કરવાની સરકારની યોજના છે એવું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: મોદી ગતિશક્તિનું પ્રતિક: એકનાથ શિંદે
આનંદાચા શિદા માટેની ટેન્ડર પ્રક્રિયામાં સુધારો કરવા માટે જે આદેશ બહાર પાડવામાં આવ્યો તેના પરથી આનંદાચા શિધાનું વિતરણ થવાની માહિતી સામે આવી હતી. સામાન્ય રીતે ટેન્ડરની પ્રક્રિયા 21 દિવસની હોય છે, પરંતુ વિશેષ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આનંદાચા શિધા માટેની પ્રક્રિયા ફક્ત સાત દિવસમાં પૂરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે રેશનિંગની દુકાનમાંથી આ સીધું 15 ઑગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધીમાં વિતરિત કરવાનું રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ કરવામાં આવી હોવાથી બે મહિનાથી આનંદાચા શિધા બંધ કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવમાં આનંદાચા શિધા આપવામાં આવ્યા બાદ વિધાનસભાની ચૂંટણી આવતાં ફરી તે બંધ થવાની શક્યતા જણાઈ રહી છે.