હવે ભાજપના આ નેતાના સલીમ કુત્તા સાથેના સંબંધોના આક્ષેપ સાથે વિપક્ષનો હોબાળો
મુંબઈ-નાગપુર: એક તરફ 1993ના બોમ્બ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના અહેવાલોએ સવારથી ખળભળાટ મચાવ્યો છે ત્યારે બીજી બાજુ તેની નજીકના સલીમ કુત્તાને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા ચાલી રહી છે. અગાઉ, ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેએ શિવસેના (UBT) નેતા સુધાકર બડગુજર પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને સલીમ સાથે પાર્ટી કરી હોવાનો વીડિયો શેર કર્યો હતો.
હવે શિવસેના (UBT)એ પણ વળતો પ્રહાર કર્યો છે અને ભાજપ સરકારમાં પ્રધાન એવા ગિરીશ મહાજનની તસવીર શેર કરી તેમના સલીમ કુત્તા સાથે સંબંધો હોવાનો આક્ષેપ કરતા માહોલ ગરમાયો છે. સલીમ પણ 1993ના બોમ્બ બ્લાસ્ટનો દોષી છે.
આ મામલે સોમવારે વિધાન પરિષદમાં ભારે હોબાળો થયો હતો. શિવસેના (UBT)ના નેતા અને વિપક્ષના નેતા અંબાદાસ દાનવે, અનિલ પરબએ ગૃહમાં ગિરીશ મહાજનનું નામ લીધું અને સરકારને તેમની સામે કડક પગલાં લેવા જણાવ્યું હતું. વિપક્ષી નેતાઓએ આ મામલે SIT તપાસની માંગ પણ કરી હતી.
અઠવાડિયે બીજેપી ધારાસભ્ય નીતીશ રાણેએ આરોપ લગાવ્યો હતો કે શિવસેના (UBT) નેતા અને નાસિક મેટ્રોપોલિટન ચીફ સુધાકર બડગુજરના સલીમ કુત્તા સાથે સંબંધો છે અને તેમણે બડગુજર અને સલીમ પાર્ટીમાં એન્જોય કરતા હોય તેવો એક વીડિયો શેર કર્યો હતો. બાદમાં રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે SITની રચના કરી હતી. નાસિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે પણ સુધાકર બડગુજરની પૂછપરછ કરી હોવાના અહેવાલો મળ્યા છે.
જો કે, બડગુજરે સલીમ કુત્તા સાથેના તેના સંબંધોના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ વીડિયો બનાવટી છે. શિવસેના (UBT) અને NCP (શરદ પવાર) જૂથોએ આક્ષેપ કર્યો હતો કે આ તપાસ રાજકીય હેતુથી કરવામાં આવી રહી છે.
સોમવારે સ્પીકર નીલમ ગોરે આ મુદ્દે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે વિપક્ષને ગૃહમાં કોઈપણ સભ્ય કે પ્રધાનનું નામ ન લેવા સૂચના પણ આપી હતી. પરંતુ શિવસેના (UBT) અને NCP (શરદ પવાર) જૂથના સભ્યોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. અંતે સ્પીકરે ગૃહને 20 મિનિટ માટે સ્થગિત કરી દીધું હતું.