એટીએમ સાથે ચેડાં કરી લોકોને ઠગનારી આંતરરાજ્ય ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એટીએમ સાથે ચેડાં કરી રૂપિયા કઢાવવા આવનારા લોકો સાથે કથિત ઠગાઈ કરનારી આંતરરાજ્ય ટોળકીને કુરાર પોલીસે પકડી પાડી હતી. એટીએમ સેન્ટર નજીક સીસીટીવી કૅમેરામાં કેદ થયેલી રિક્ષાના નંબરને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આ ટોળકીનો પર્દાફાશ થયો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રામુ રામ ઉર્ફે આદિત્ય દયારામ ભારતીય (29), સૂરજ રાજેશ તિવારી (22), સંદીપકુમાર રામબહાદુર યાદવ (28), અશોક હરિહરનાથ યાદવ (36), રાકેશકુમાર રામબાબુ યાદવ (40) અને રવિકુમાર મહેન્દ્ર યાદવ (31) તરીકે થઈ હતી. આ ટોળકી વિરુદ્ધ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે 11 ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
આરોપીઓ સિક્યોરિટી ગાર્ડની ગેરહાજરીવાળાં એટીએમ સેન્ટરને ટાર્ગેટ કરતા હતા. મશીનમાં રોકડ બહાર આવે તે જગ્યાએ આરોપીઓ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની પટ્ટી ચીટકાવી દેતા હતા, જેને કારણે કોઈ વ્યક્તિ એટીએમમાંથી રૂપિયા કઢાવવા આવે તો રોકડ મશીનમાંથી બહાર આવતી નહોતી. પરિણામે એ વ્યક્તિ ત્યાંથી જતી રહેતી હતી. પછી એટીએમ સેન્ટર બહાર ઊભેલા આરોપી ચાલાકીથી પટ્ટી કાઢીને રૂપિયા પ્રાપ્ત કરતા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે મલાડમાં આવેલા ખાનગી બૅન્કના એટીએમમાં રૂપિયા કઢાવવા ગયેલા ફરિયાદીને આવો જ અનુભવ થયો હતો. ફરિયાદીએ તાત્કાલિક કુરાર પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે એટીએમ સેન્ટર અને આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં શકમંદો રિક્ષામાં બેસી ફરાર થતાં નજરે પડ્યા હતા. રિક્ષાના નંબરને ટ્રેસ કરતાં મલાડના અપ્પાપાડા ખાતેથી રિક્ષા મળી આવી હતી.
રિક્ષામાં હાજર ચાર લોકોને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓના વધુ બે સાથીની પણ ધરપકડ કરાઈ હતી. રિક્ષામાંથી પોલીસને પ્લાસ્ટિકની 27 પટ્ટી, મશીનમાં પટ્ટી ચીટકાવવા વપરાતી ફેવીક્વિકની છ ટ્યૂબ સહિતનાં સાધનો હસ્તગત કરાયાં હતાં. એ સિવાય વિવિધ બૅન્કનાં 10 એટીએમ કાર્ડ પણ મળી આવ્યાં હતાં.