આમચી મુંબઈમહારાષ્ટ્ર

દાઉદી વહોરા સમુદાયની દસ વર્ષની કાયદાકીય જંગનો અંત

બૉમ્બે હાઇ કોર્ટે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લગભગ દસ વર્ષની કાયકાદીય લડત બાદ દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ(દાઇ-અલ-મુતલક)ના વિવાદનો અંત બૉમ્બે હાઇ કોર્ટે પોતાના ચુકાદા દ્વારા લાવ્યો હતો અને હાલના સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના પક્ષમાં ફેંસલો આપી તેમને જ દાઉદી વહોરા સમુદાયના વડા તરીકે ભવિષ્યમાં કામગિરી ચાલુ રાખવાનું જણાવ્યું હતું.

બૉમ્બે હાઇ કોર્ટની જસ્ટિસ ગૌતમ પટેલની સિંગલ બેન્ચે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના ભત્રીજા દ્વારા સૈયદના કુઝૈમા કુતબુદ્દીન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી હતી. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને દાઉદી વહોરા સમુદાયના વડા તરીકેની નિમણૂકને પડકારતી સૌપ્રથમ અરજી સૈયદના કુઝૈમા કુતબુદ્દીન દ્વારા સૌપ્રથમ માર્ચ 2014માં દાખલ કરવામાં આવી હતી. આ ચુકાદો આપતા વખતે જસ્ટિસ ગૌતમ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે અદાલતનો ફેંસલો સંપૂર્ણપણે તથ્યો પર આધારિત છે અને આસ્થા કે ભાવનાઓને ધ્યાનમાં લઇને નથી લેવામાં આવ્યો.

આ અરજીમાં સૈયદના કુઝૈમા કુતબુદ્દીને તેમના ભાઇ તેમ જ દાઉદી વહોરા સમુદાયના બાવનમા દાઇ-અલ-મુતલક સૈયદના મોહમ્મદ બુર્હાનુદ્દીન દ્વારા પોતાને 53મા દાઇ-અલ-મુતલક તરીકે નિમવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
જોકે, 17 જાન્યુઆરી 2014ના રોજ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને તેમના પિતા તેમ જ બાવનમા દાઇ-અલ-મુતલકના મૃત્યુ બાદ પોતાને 53મા દાઇ-અલ-મુતલક જાહેર કરી સમુદાયની મિલકતનો તાબો લઇ લીધો હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું હતું.

આપણ વાંચો: ભાગેડુ નીરવ મોદી સામે લંડન હાઈકોર્ટે કરી કાર્યવાહી, BOIને જંગી રકમ ચૂકવવાનો આપ્યો આદેશ

આ ઉપરાંત અરજીમાં સૈયદના મુફદ્દલને દાઉદી વહોરા સમુદાયની મિલકતો જેમ કે સૈફી મસ્જિદ, રૌદત તાહેરા, સમુદાયની મસ્જિદો, દારુલ-ઇમારત, કોમ્યુનિટી હૉલ, મૌસેલમ, શાળાઓ, કોલેજો અને કબ્રસ્તાનમાં પ્રવેશ ન આપવાનો આદેશ આપવાની વિનંતી પણ અરજીમાં કરવામાં આવી હતી.

અરજીમાં સૈયદના કુતબુદ્દીન દ્વારા પોતાને 53મા દાઇ-અલ-મુતલક જાહેર કરવામાં આવે અને સમુદાયની બધી જ સ્થાવર અને જંગમ મિલકત પર હક્ક આપવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

જોકે, આ કેસની સુનાવણી હજી ચાલી રહી હતી ત્યારે 2016માં સૈયદના કુતબુદ્દીનનું મૃત્યુ થયું હતું, જ્યારબાદ તેમના પુત્ર સૈયદના તાહેર ફકરુદ્દીન દ્વારા તેમના પિતાની જગ્યાએ પોતે ખટલો લડવાની પરવાનગી માગતી અરજી કરી હતી. સૈયદના ફકરુદ્દીને અરજીમાં દાવો કર્યો હતો કે તેમના પિતાએ તેમને 54મા દાઇ-અલ-મુતલક નિમ્યા છે.

જ્યારે સૈયદના મુફદ્દલે પોતાના બચાવમાં દાવો કર્યો હતો કે 2011માં જ્યારે તેમના પિતા લંડનમાં હતા ત્યારે તેમણે પોતાને દાઇ-અલ-મુતલક નિમ્યા હતા અને પખવાડિયા બાદ મુંબઈમાં તેની જાહેરાત પણ કરી હતી. હાઇ કોર્ટે સૈયદના મુફદ્દલની દલીલ માન્ય રાખતા તેમના પક્ષમાં ફેંસલો આપી દાયકા જૂની કાયદાકીય લડતને સમાપ્ત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button