નાંદેડમાં અમિત શાહે એર સ્ટ્રાઈક મુદ્દે વિપક્ષને ઘેર્યો, એમવીએની તુલના ‘આ’ની સાથે કરી
મુંબઈ: મહારાષ્ટ્રની 48 બેઠકો મહાયુતિના ‘અબ કી બાર 400 પાર’નું લક્ષ્ય હાંસલ કરવા માટે અત્યંત જરૂરી છે અને એટલા માટે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન મહારાષ્ટ્રમાં પ્રચારસભાઓ ગજાવી રહ્યા છે. ગુરુવારે અમિત શાહ નાંદેડમાં મહાયુતિના ઉમેદવારના પ્રચાર માટે આવ્યા હતા અને તેમણે પ્રચારસભા સંબોધીને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત તેમણે પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટની ઍર સ્ટ્રાઇકનો મુદ્દે પણ વિપક્ષને ઘેર્યો હતો.
શાહે મહાવિકાસ આઘાડી 9 એમવીએ ની તુલના એવી ‘રિક્ષા’ સાથે કરી હતી જેના સ્પેરપાટર્સ એકબીજા સાથે મેળ નથી ખાતા, એટલે તે અસફળ જ નિવડશે, તેમ શાહે કહ્યું હતું. તેમણે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મહારાષ્ટ્રનો વિકાસ ક્યારેય નહીં કરી શકે તેવી ટીકા કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનો વિકાસ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના ગજા બહારનું છે. મહારાષ્ટ્રનો વિકાસ ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે જ કરી શકે.
આપણ વાંચો: PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે નવરાત્રી અને ગુડી પાડવાની આપી શુભકામના
શરદ પવાર પર ટીકાસ્ત્ર છોડતા તેમણે સવાલ કર્યો હતો કે શરદ પવાર જ્યારે સત્તામાં હતા અને પ્રધાન હતા ત્યારે તેમણે મહારાષ્ટ્ર માટે શું કર્યું? તેમણે મહારાષ્ટ્રને શું આપ્યું? નાંદેડમાં ભાજપના ઉમેદવાર તેમ જ હાલના સાંસદ પ્રતાપ પાટીલ ચિખલીકરના પ્રચાર માટે શાહે સભા સંબોધી એ દરમિયાન તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
અમિત શાહે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કૉંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિપક્ષ પાસે ઉદ્ધવ ઠાકરેની નકલી શિવસેના છે, શરદ પવારની નકલી એનસીપી છે અને માંડ માંડ જેટલી બચી છે તેટલી કૉંગ્રેસ છે. આ ગઠબંધન એવી રિક્ષા છે જેના સ્પેરપાટર્સ એકબીજા સાથે મેળ ખાતા નથી અને એટલે તેમની હાર નક્કી છે.