આંબેડકરના પૌત્ર મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણીની બેઠકમાં સહભાગી થયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વંચિત બહુજન આઘાડી (વીબીએ)નું નેતૃત્વ કરી રહેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર શુક્રવારે મહાવિકાસ આઘાડીની આગામી લોકસભાની ચૂંટણી માટેની બેઠકોની વહેંચણીની બેઠકમાં સામેલ થયા હતા.
આ બેઠક બાદ તેમણે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી ઈન્ડિયા આઘાડીની જેમ સમાપ્ત ન થઈ જાય તે સુનિશ્ર્ચિત કરવામાં આવ્યું હતું.
કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ ઈન્ડિયા ગઠબંધનની શરૂઆત 20 (વીસ) પાર્ટી સાથે કરવામાં આવી હતી. આનો હેતુ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો મક્ક્મતાથી સામનો કરવાનો હતો. હવે પશ્ર્ચિમ બંગાળમાંથી મમતા બેનરજી અને પંજાબ તેમ જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ અલગ લડવાનો નિર્ણય લીધા બાદ આ વિપક્ષી ગઠબંધનમાં ભંગાણ પડ્યું હતું.
બેઠક સકારાત્મક નીવડી હોવાનું જણાવતાં પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે હું વહેલો બહાર નીકળી ગયો હતો, કેમ કે મારે પૂર્વ નિયોજિત બેઠકમાં હાજરી આપવાની હતી. મેં મહાવિકાસ આઘાડી સંબંધે કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા અને ત્રણ મુખ્ય પાર્ટીઓ તેના પર આંતરિક ચર્ચા કરશે અને આવશ્યકતા જણાશે તો કેટલાક સુધારા કરશે. તેમણે કહ્યું હતું કે આ બેઠકનો ડ્રાફ્ટ મોડેથી જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી), કૉંગ્રેસ અને શરદ પવારના નેતૃત્વ હેઠળનું એનસીપીનું જૂથ મહાવિકાસ આઘાડીના મુખ્ય ઘટક પક્ષો છે.
બેઠકોની વહેંચણી અંગે પછી ચર્ચા કરવામાં આવશે અત્યારે અમે લઘુતમ સમાન કાર્યક્રમ પર ચર્ચા કરી રહ્યા છીએ, એમ પણ તેમણે કહ્યું હતું.
આ પહેલાં શિવસેના (યુબીટી)ના સંજય રાઉતે બેઠકમાં દલિત નેતાને આવકારતો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.