બદલાપુર સ્કૂલની ઘટના મુદ્દે પૂર્વ ગૃહ પ્રધાને સરકારને કરી આ માંગ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આજે બદલાપુર શાળાની ઘટનાનો ઉલ્લેખ કરીને બાળકો અને મહિલાઓ પર અત્યાચાર માટે મૃત્યુદંડની જોગવાઈઓ સાથે શક્તિ બિલની મંજૂરી અને અમલીકરણની માંગ કરી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોએ ત્રણ વર્ષ પહેલાં જ્યારે મહા વિકાસ અઘાડી સત્તામાં હતી ત્યારે શક્તિ ફોજદારી કાયદા (મહારાષ્ટ્ર સુધારો) બિલ, ૨૦૨૦ અને મહારાષ્ટ્ર શક્તિ ફોજદારી કાયદો, ૨૦૨૦ ના અમલીકરણ માટે વિશેષ અદાલત અને મશીનરી તૈયાર કરી હતી.
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા દેશમુખે કહ્યું, જ્યારે હું ગૃહ પ્રધાન હતો, ત્યારે મેં આંધ્ર પ્રદેશમાં એક કાયદાની જેમ શક્તિ બિલનો મુસદ્દો તૈયાર કરવા માટે તમામ પક્ષોના ૨૧ ધારાસભ્યોની સમિતિની રચના કરી હતી.
આ પણ વાંચો: Akola માં પણ બદલાપુરમાં જેવી ઘટના, શિક્ષક પર છ વિદ્યાર્થિનીઓ સાથે છેડતીનો આરોપ…
બિલને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું અને રાજ્ય વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. તે કેન્દ્ર સરકાર સમક્ષ મંજૂરી માટે પેન્ડિંગ છે. બદલાપુર કેસમાં ગુનેગારને મૃત્યુદંડ સુનિશ્ચિત કરવા માટે “શક્તિ ધારો” પૂરતો હશે. બદલાપુર ઘટનાની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) એ એફઆઈઆરની નોંધણીમાં “૧૨-૧૩ કલાકના વિલંબ” પાછળના કારણની તપાસ કરવી જોઈએ.
શિવસેના (યુબીટી) રાજ્યસભાના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ સોમવારે જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બે બિલોને ઝડપથી સંમતિ આપવા માટે પત્ર લખ્યો છે.