મુંબઈના એન્ટ્રી પોઈન્ટનાં પાંચેય નાકાં ૨૦૨૭ સુધી રહેશે યથાવત્

મુંબઈ: મુંબઈના ટોલ સંદર્ભે એક મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના એન્ટ્રી પોઈન્ટનાં પાંચેય નાકાં ૨૦૨૭ સુધી યથાવત્ રહેશે. વાશી, દહીંસર, ઐરોલી, આનંદનગર અને એલબીએસ મુલુંડ ખાતેના પ્રવેશદ્વાર પરનાં ટોલનાકાંની ટોલવસૂલી ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૭ સુધી રહેશે. ૨૦૦૨થી પચીસ વર્ષના સમયગાળા માટે ટોલવસૂલીનો હક મળ્યા હોવાની માહિતી એમએસઆરડીસીએ વિધાનપરિષદમાં માહિતી આપી હતી.
રસ્તાની કંગાળ હાલત થઇ ગઇ હોવા છતાં ટોલવસૂલી ચાલી રહી હોવાની કબૂલાત સરકારે વિધાનસભામાં દીધી હતી. આ ઉપરાંત મુંબઈમાં વધારાનો ટોલ વસૂલાતો હોવાની કબૂલાત પણ સરકારે કરી હતી. ત્યાર બાદ હવે મુંબઈના એન્ટ્રી પોઈન્ટ પરનાં પાંચેય ટોલનાકાં ૨૦૨૭ સુધી યથાવત્ રાખવાની માહિતી આપવામાં આવી છે. રસ્તાનો ખર્ચ વસૂલી લેવામાં આવ્યો હોવા છતાં નાગરિકો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રમુખ નેતા સહિત અન્ય વિધાનસભાના સભ્યોએ સરકાર પાસે ટોલ સંદર્ભે પૂછપરછ કરી હતી. ટોલવસૂલીનો ઉદ્દેશ પૂરો થઇ ગયો હોવા છતાં રાજ્યમાં ટોલવસૂલી યથાવત્ હોવાની કબૂલાત સરકારે આપી હતી.
એમએસઆરડીસી ઊભા કરેલા પંચાવન પુલનો ખર્ચ વસૂલ કરવા માટે મુંબઈના પ્રવેશદ્વાર પર ઊભા કરવામાં આવેલાં પાંચ ટોલનાકાં પર પુલનો ખર્ચ વસૂલ થઇ ગયો હોવા છતાં પણ હજી સુધી ટોલ તો વસૂલવામાં આવી રહ્યો છે, પણ તેમાં વધારો શા માટે કરવામાં આવ્યો, એવો સવાલ વિરોધીઓએ કર્યો હતો. મુંબઈમાં વધારાની ટોલવસૂલી ચાલી રહી છે.
મુંબઈના પંચાવન ઓવરબ્રિજ માટેનો ખર્ચ રૂ. ૧૨૫૯.૩૮ કરોડ થયો હતો. ૨૦૨૬ સુધી રૂ. ૩,૨૭૨ કરોડની ટોલ વસૂલવામાં આવશે. વિધાનપરિષદમાં આવા સવાલો ઊભા થયા છતાં ટોલ વસૂલવામાં આવશે જ, એવું સરકારનું વલણ છે.
થાણેવાસીઓ માટે આનંદના સમાચાર

થાણેમાં નાનાં વાહનોને ટોલમાંથી સવલત આપવા માટે બે તબક્કાની ટોલનાકાં પરની વીડિયોગ્રાફી પૂરી થઇ ગઇ છે. થાણેમાંથી વાહનચાલકોને મુંબઈ આવવા માટે અને જવા માટે ટોલમાંથી નજીકના સમયમાં જ સવલત મળે એવી શક્યતા છે.
રાજ ઠાકરે મુખ્ય પ્રધાનને મળ્યા

ટોલના મુદ્દે ચર્ચા કરવા માટે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે ગુરુવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. ત્યાર બાદ રાજ ઠાકરેના નિવાસસ્થાને રાજ્યના પ્રધાન દાદા ભુસે અને સરકારી અધિકારી વચ્ચે ટોલ અંગે ચર્ચા હાથ ધરીને નિર્ણય લેવામાં આવ્યો હતો.