Good News: અલીબાગમાં હવે ગોવાની જેમ ભાડેથી ટુ-વ્હીલર મળશે

મુંબઈ: સપ્તાહના અંતે રજાઓ ગાળવા માટે અલીબાગની મુલાકાત લેતા લોકો હવે ગોવા અને કેરળની જેમ સ્થાનિક મુસાફરી માટે મોટરસાયકલ અને સ્કૂટર ભાડે લઈ શકે છે, કારણ કે દરિયાકાંઠાના શહેરમાં સેવાના બે ઓપરેટરને લાઇસન્સ આપવામાં આવ્યા છે, એમ પરિવહન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) એ ઓગસ્ટમાં રેન્ટ એ મોટરસાઇકલ યોજના, 1997 હેઠળ બે લાઇસન્સ મંજૂર કર્યા હતા, જેના હેઠળ નિયમનકારી અને સલામતીના ધોરણોને પૂર્ણ કરતા રજિસ્ટર્ડ ઓપરેટર ટૂંકા ગાળાના વપરાશકર્તાઓને ટુ-વ્હીલર ભાડે આપી શકશે. તેઓ કલાકના અથવા દૈનિક ધોરણે ભાડું વસુલ કરી શકશે.
આ પણ વાંચો : મહાબળેશ્ર્વરમાં જોય મીની ટ્રેન: પ્રવાસનને ગતિ આપવાનો પ્રયાસ
આ યોજના પહેલી વાર 1997માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે પ્રથમ દાયકામાં ફક્ત થોડા લાઇસન્સ જારી કરવામાં આવ્યા હતા. જોકે, 2015માં લોકપ્રિય હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં ટેક્સી અને ઓટોરિક્ષા ઓપરેટરોના વિરોધને કારણે સરકારે તેને અસ્થાયીરૂપે બંધ કરી દીધી હતી.
રાજ્ય સરકારે આ વર્ષે જૂનમાં યોજના પરનો નવ વર્ષનો પ્રતિબંધ સત્તાવાર રીતે ઉઠાવી લીધો હતો, જેનાથી રાજ્યભરમાં નિયમનકારી બાઇક ભાડા સેવાઓનો માર્ગ મોકળો થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલાથી પર્યટનને વેગ મળશે અને સ્થાનિક લોકો માટે આવકનો નવો સ્ત્રોત બનશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો : પહલગામ હુમલાનું ભોગ બન્યું હવે ‘પ્રવાસન’ સેક્ટર, જાણો સૌથી મોટો ફટકો કોને પડ્યો?
કોંકણ જેવા વિસ્તારોમાં, જે દરિયાકિનારા, મંદિરો, કિલ્લાઓ અને અન્ય પર્યટન માટે આકર્ષણ છે, ત્યાં ભાડા પર બાઇક અથવા સ્કૂટર પરિવહનનું એક સસ્તું અને અનુકૂળ માધ્યમ સાબિત થઈ શકે છે, એમ એક વરિષ્ઠ RTO અધિકારીએ જણાવ્યું હતું. તેનાથી મનસ્વી ભાડાં વસૂલ કરનારા ટેક્સી-રીક્ષા ઉપર પણ અંકુશ આવશે. STAના નિયમો મુજબ સલામતીના કારણોસર ઓપરેટરોએ ટુ-વ્હીલર ભાડે લેનાર વિદેશી નાગરિકો અને NRI સહિત લોકોનું રજિસ્ટર રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
મુંબઈથી લગભગ ૧૦૦ કિમી દૂર રાયગઢ જિલ્લાના અલીબાગ સ્થિત બે ઓપરેટરોને ૧૮ ઓગસ્ટના રોજ STA ની છેલ્લી બેઠકમાં લાઇસન્સ આપવામાં આવ્યા છે, એમ અન્ય એક RTO અધિકારીએ જણાવ્યું હતું. રેન્ટ-એ-મોટરસાયકલ લાઇસન્સ પાંચ વર્ષ માટે માન્ય છે અને વાર્ષિક ફી રૂ. 1,000 છે, તે ફક્ત પેણ પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO) ના અધિકારક્ષેત્રમાં રહેશે.
આ યોજના હેઠળ લાઇસન્સધારકો પાસે માન્ય પરમિટ, વીમો અને ફિટનેસ સાથે ઓછામાં ઓછી પાંચ બાઇકનો કાફલો હોવો જોઈએ, અને તેમના જાળવણી અને પાર્કિંગ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. ઉપરાંત, કામગીરીનો વિસ્તાર લાઇસન્સ ધારકના શહેર અથવા જિલ્લા સુધી મર્યાદિત રહેશે.