બદલાપુર ઘટના પર અજિત પવાર આક્રમક એવી ધાક બેસવી જોઈએ કે…

પુણે: બદલાપુરની એક શાળામાં બે બાળકીઓ સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બન્યા બાદ નાગરિકોએ પોલીસ પર કેસ નોંધવામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
બદલાપુરમાં બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાંથી ગુસ્સાની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. નાગરિકો પણ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. આ ઘટના બાદ વિપક્ષે શાસક પક્ષની ટીકા કરી છે. તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ પ્રશ્ર્નાર્થ ચિહ્ન ઉભા થયા છે.
આ પણ વાંચો: Akola માં પણ બદલાપુરમાં જેવી ઘટના, શિક્ષક પર છ વિદ્યાર્થિનીઓ સાથે છેડતીનો આરોપ…
આ સમગ્ર મામલે હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પ્રતિક્રિયા આપી છે. અજિત પવારે કહ્યું છે કે આવા અત્યાચારીઓને ફાંસીની સજા આપવી જોઈએ, એવી ધાક બેસવી જોઈએ કે કોઈ ફરી આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.
બદલાપુરની એક શાળામાં બે સગીર છોકરીઓનું યૌન શોષણ થયું હતું. થોડા દિવસો પહેલા પશ્ર્ચિમ બંગાળની એક હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આવી ઘટના કોઈની સાથે ન થવી જોઈએ.
પરંતુ આવી ઘટનાઓ અમારા કાને પડ્યા પછી અમને પણ લાગે છે કે તે ઘટનાઓની તાત્કાલિક તપાસ થવી જોઈએ. આ હત્યારાઓને તપાસ બાદ ફાંસીની સજા આપવી જોઈએ. એવી ધાક બેસી જવી જોઈએ કે ફરી કોઈની આવું કરવાની હિંમત ન થાય એમ અજિત પવારે કહ્યું હતું.