આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજિત પવારની મનોજ જરાંગેને કડક શબ્દોમાં ચિમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મરાઠા સમાજને આરક્ષણ અપાવવા આંદોલન કરી રહેલા મનોજ જરાંગેએ 20મી જાન્યુઆરીએ કોઈપણ સંજોગોમાં મુંબઈ આવીશું એવો નિર્ધાર જાહેર કર્યો હતો, તેની નોંધ લેતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતુું કે જે કોઈ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે તેની શેહ રાખીશું નહીં. આને પગલે હવે રાજ્યમાં મનોજ જરાંગે વિરુદ્ધ અજિત પવાર સંઘર્ષ જોવા મળે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

અજિત પવાર રવિવારે કલ્યાણમાં આવ્યા હતા અને ત્યાં તેમણે કાર્યકર્તાને સંબોધ્યા હતા. થાણે જિલ્લાની પાણીની સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં કરવામાં આવશે એમ કહેતાં થાણે જિલ્લા અને ગ્રામીણ વિસ્તારમાં જે વિકાસકામો થઈ રહ્યા છે અને થવાના છે તેની માહિતી અજિત પવારે આપી હતી.

મનોજ જરાંગે-પાટીલનું નામ લીધા વગર તેમણે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે કેટલાક લોકો અત્યારે છડેચોક નિવેદનો કરી રહ્યા છે. દેશ અને રાજ્ય સમક્ષ કેવા પ્રકારના પ્રશ્ર્નો છે તેને ધ્યાનમાં લીધા વગર વાચાળવીરોની સંખ્યા વધી રહી છે. મુદ્દા પર વાત કરવાને બદલે આડી-અવળી વાત કરતા હોય છે. મુંબઈમાં આવવાની વાતો કરે છે. ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપણને બંધારણ આપવામાં આવ્યું છે. આ બંધારણને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે.

આજે પણ આપણે બંધારણનો આદર કરીએ છીએ. બંધારણના આદેશને પગલે આગળ વધી રહ્યા છીએ. પરંતુ જો કોઈ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે તો પછી તેમની શેહ-શરમ રાખવામાં આવશે નહીં.

બીજી તરફ જરાંગે પાટીલે અજિત પવારની ચેતવણીનો જવાબ આપતાં કહ્યું હતું કે મારા પ્રવાસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે આરક્ષણ લઈને જ જંપીશું. અજત પવારને મળેલી નોંધ બાબતે જાણકારી નથી કે શું? રાજ્યભરમાં 54 લાખ નોંધ મળી હોવા છતાં બંધારણની ચોખટમાં જ અમને આરક્ષણ મળી શકે તેમ હોવા છતાં તેઓ વિરોધમાં કેમ બોલી રહ્યા છે?
તેમણે અજિત પવારનો તુચ્છકારથી ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તું પાપ ધોવા માટે અહીં આવ્યો છે. તારા ગામમાં મરાઠા તારા સૂપડાં સાફ કરી નાખશે. હવે પછી તું બોલ્યો છે તો આવતીકાલથી તને પણ છોડીશ નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button