ખેડૂતો અને મહાવિતરણ અંગે અજિત પવારે આપ્યું મહત્ત્વનું નિવેદન

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે બજેટ રજૂ કરીને ચૂંટણી લક્ષી બજેટ હોવાની વિપક્ષે પ્રતિક્રિયા આપી હતી. આજે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ખેડૂતોને મફત વીજળી આપવાની જાહેરાત કરી છે પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી માત્ર ૫-૧૦ ટકા જ બિલ વસૂલવામાં આવી રહ્યાં છે, તેથી મોટા ભાગના કૃષિ પંપને હાલમાં કોઈને કોઈ પ્રકારે મફત વીજળી મળી રહી છે.
સત્તાધારી પક્ષોના નેતાઓને આશા છે કે વિધાનસભાની ચૂંટણીને પગલે કરવામાં આવેલી આ જાહેરાતથી ભારે રાજકીય લાભ થશે. જો કે, રાજ્ય સરકાર તરફથી કૃષિ વીજ બિલની રકમ મળવાથી મહાવિતરણને નાણાકીય રાહત મળશે.
રાજ્યમાં હાલમાં ૪૬ લાખથી વધુ કૃષિ પંપ છે અને સરકાર ૭.૫ એચપી સુધીના કૃષિ પંપને મફત વીજળી આપશે. અજિત પવારે બજેટમાં જાહેરાત કરતા કહ્યું હતું કે આ નિર્ણયથી ૪૪,૦૬,૦૦૦ ખેડૂતોને ફાયદો થશે.
આ પણ વાંચો: મોદીની કેબિનેટમાં એનસીપીને સ્થાન નહીંઃ અજિત પવારે કરી મોટી માંગણી, ફડણવીસે કરી સ્પષ્ટતા
હાલમાં કૃષિ ગ્રાહકોને યુનિટદીઠ આશરે દોઢ રૂપિયા બિલ આવે છે. મહાવિતરણના અધિકારીઓએ માહિતી આપી હતી કે દર વર્ષે લગભગ છ હજાર કરોડ રૂપિયાના બિલ મોકલવામાં આવે છે. તેમાંથી માત્ર પાંચ ટકા એટલે કે રૂ. ૨૮૦-૩૦૦ કરોડ ચુકવવામાં આવે છે. તેથી, હાલમાં કૃષિ પંપના ૯૫ ટકા બિલ વસૂલવામાં આવતા નથી અને વિનામૂલ્યે વીજળી આપવામાં આવી રહી છે.
કૃષિ વીજ બિલની બાકી રકમ રૂ. ૪૫૦૦૦ કરોડ છે. તમામ ગ્રાહકોની કુલ બાકી રકમ રૂ. ૭૪,૦૦૦ કરોડ છે અને ઉપસા સિંચન યોજના, સરકારી કચેરી, સ્થાનિક સંસ્થાઓની દિવાબત્તી યોજના વગેરેના બાકી વીજ બિલો પણ રૂ. ૮,૦૦૦ કરોડથી વધુ છે.
કૃષિ પંપને મફત વીજળી આપવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે. પરંતુ સરકારે નિયમિતપણે મહાવિતરણને સરકાર અને સ્થાનિક સંસ્થાઓના બિલની બાકી રકમ ચૂકવવી જોઈએ. હાલમાં કૃષિ પંપના વીજ બિલની બાકી રકમ ૪૫૦૦૦ કરોડ થઈ ગઈ છે, તેથી જો સરકાર આ એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લે તો મહાવિતરણને રાહત મળશે.