દૂધમાં ભેળસેળને લઈને અજિત પવારે આપ્યું મોટું નિવેદન
નાગપુર: રાજ્યમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં રાજ્યના દૂધના ભાવને લઈને ફરી વિધાનભવનમાં હંગામો થયો હતો. દૂધના ભાવમાં વધારો કરવા અનેક દૂધ ઉત્પાદન કરતાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એવામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ મામલે મુદ્દો ઉઠાવ્યો હતો.
અને કહ્યું હતું કે રાજ્યમાં દૂધમાં ભેળસેળ કરનાર સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવશે. દૂધ ઉત્પાદકોની સમસ્યા રાજ્ય સરકારના સામે છે. તેમ જ દૂધમાં ભેળસેળ કરનાર ગુનેગારોને ફાંસીની સજા આપવા અંગે કાયદો બનાવવાનો પ્રસ્તાવ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે, પણ આ કાયદા માટે રાષ્ટ્રપતિની મંજૂરી હજી સુધી મળી નથી, એવી માહિતી પવારે સત્રમાં આપી હતી.
પવારે આગળ કહ્યું હતું કે દૂધ અથવા દૂધથી બનેલા પદાર્થોનું સેવન મોટા ભાગે નાના બાળકો કરે છે, તેથી તેમાં ભેળસેળ કરવું અયોગ્ય છે. આવું કરનાર લોકો સામે ફાંસીની સજા આપવા માટેનો કાયદો બનાવવા અંગેની અરજી કેન્દ્ર સરકારને મોકલી છે. એવું પવારે કહ્યું હતું.
પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે આ મુદ્દે કહ્યું હતું કે દૂધ ઉત્પાદન કરનારા ખેડૂતો તરફથી કરવામાં આવતી દરેક માગણી મુદ્દે ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર દ્વારા દૂધ ઉત્પાદકોને મદદ કરવામાં આવશે, તેમ જ આ સત્ર પૂરું થતાં પહેલા તેમને અનુદાન આપવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ સાથે મિલ્ક પાવડર, બટર નિકાસ કરવા માટે પણ પ્રયત્નો કરવામાં આવશે, એવું વિખે પાટીલે સત્રમાં જણાવ્યું હતું.
વિખે પાટીલે આગળ કહ્યું રાજ્યમાં અંદાજે દોઢ કરોડ લિટર દૂધ ઉત્પાદન કરવામાં આવે છે. માગણી અને પુરવઠાને લીધે ભાવ ઓછા વધતાં હોય છે. આ મામલે દૂધ ઉત્પાદકોને અનુદાન આપવા બાબત નાણા વિભાગ હેઠળ એક ત્રણ સદસ્યોવાળી સમિતિ સ્થાપવામાં આવશે અને ત્યારબાદ આ મામલે પ્રસ્તાવ આવતા મુખ્ય પ્રધાન શિંદેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજી નિર્ણય લેવામાં આવશે.
આ સાથે મિલ્ક પાવડર અને બટરના નિકાસ માટે કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવશે. તેમ જ ૧૧ લાખ ટન ચારો નિર્માણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને સરકાર દૂધ ઉત્પાદન કરતાં ખેડૂતોની સાથે હોવાનો વિશ્વાસ પ્રધાન રાધાકૃષ્ણ વિખે આપ્યો હતો.