અજિત પવાર અને શરદ પવારના NCP જૂથો એક થવાની તૈયારીમાં! અજિત પવારે આપ્યા સંકેત

મુંબઈ: સતત બદલાતા રહેતા મહારાષ્ટ્રનાં રાજકારણમાં ફરી મોટા ફેરફાર થઇ શકે છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(NCP)ના વડા અજિત પવારે સાકેત આપ્યા કે આગામી સમયમાં તેમની આગેવાની આગળની NCP અને તેમના કાકા શરદ પાવરની આગેવાની હેઠળની NCP(શરદચંદ્ર પાવર)નું વિલીનીકરણ થઇ શકે છે.
એક રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યું દરમિયાન અજિત પવારે જણાવ્યું કે NCPના બંને જૂથોના કાર્યકરો એક થવા ઈચ્છે છે અને પવાર પરિવારની અંદરના તમામ મતભેદોનો ઉકેલ આવી ગયો છે.
નોંધનીય છે કે પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે બંને જૂથોએ હાથ મિલાવ્યા છે. હવે આગળ જતા બંને જૂથો લાંબા સમયની ભાગીદારી અંગે વિચારી શકે છે.
લોકસભા સાંસદ અને શરદ પવારની દીકરી સુપ્રિયા સુલેએ પણ કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરોની માંગ પર પિંપરી-ચિંચવાડ મ્યુનિસિપલ ચૂંટણી માટે બંને NCP જૂથો એકસાથે આવ્યા છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે અજિત પવાર સાથેનું આ જોડાણ આગળ વધારવા અંગે કોઈ ચર્ચા થઈ નથી.
બે વર્ષ પહેલા કર્યો હતો બળવો:
નોંધનીય છે કે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવાર દ્વારા સ્થાપવામાં આવેલી NCP, બે વર્ષ પહેલાં બે ભાગમાં વહેંચાઇ ગઈ હતી. શરદ પવારના ભત્રીજા અજિત પવારે બળવો કર્યો હતો અને પાર્ટીના કેટલાક વિધાનસભ્યો સાથે BJPની આગેવાની હેઠળના NDA માં જોડાયા હતાં. ત્યાર બાદ તેમને નાયબ મુખ્ય પ્રધાનપદ સોંપવામાં આવ્યું હતું.
NCPનું નામ અને તેનું ચૂંટણી પ્રતિક ‘ઘડિયાળ’ પણ અજિત પવાર જૂથને મળ્યું , જ્યારે શરદ પવારના જૂથને એક નવું નામ, NCP (શરદચંદ્ર પવાર) અને એક નવું પ્રતીક, ટ્રમ્પેટ આપવામાં આવ્યું.
આ પણ વાંચો…‘ઘડિયાળ’ અને ‘તુતારી’ એક થયા: મ્યુનિસિપલ ચૂંટણી અજિત પવાર અને શરદ પવાર સાથે આવ્યા



