કાકા પવાર અને ભત્રીજા પવાર એક મંચ પર! તેમની સામે જ સુળે અને શેળકે વચ્ચે જામી
મુંબઈ: એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)નું વિભાજન થયા બાદ શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર એકસાથે એક જ મંચ પર આવ્યા હોય તેવા જૂજ બનાવ બન્યા છે. જોકે પુણે ડિસ્ટ્રીક્ટ પ્લાનિંગ કમિટીની બેઠક દરમિયાન બંને એકસાથે જોવા મળ્યા હતા. તેમની સાથે શરદ પવારના પુત્રી તેમ જ સાંસદ સુપ્રિયા સુળે પણ હાજર હતા.
પવાર કુટુંબના ત્રણેય દિગ્ગજ નેતા એકસાથે હાજર હોવાના પગલે બધાની નજર તેમની શું વાતચીત થાય છે તેના પર હતું. જોકે આ દરમિયાન ભંડોળની વહેંચણી બાબતે શરદ પવાર અને અજિત પવાર બંનેની સામે જ સુપ્રિયા સુળે અને વિધાનસભ્ય સુનીલ શેળકે વચ્ચે ચકમક ઝરી હતી.
સુપ્રિયા સુળેએ ફક્ત માવળને જ નાણા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને બારામતીને ભંડોળ નથી આપવામાં આવતું તેવી ફરિયાદ કરી હતી. જેની સામે શેળકેએ વાંધો ઉઠાવ્યો હતો અને બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું.
સુપ્રિયા સુળેએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે અમને ન્યાય મળશે કે પછી ફક્ત માવળને જ ભંડોળ મળશે. માવળને ભંડોળ અપાય છે તેનું અમે સ્વાગત કરીએ છીએ, પરંતુ બારામતી અને શિરુરને શા માટે નહીં?
આ પણ વાંચો: મહાવિકાસ આઘાડી રાજ્યના સ્વાસ્થ્ય માટે ‘હાનિકારક’: આવો સંદેશ જનતામાં ફેલાવશે ભાજપ
કાકા ભેગા થવાની ચર્ચા ફરી જાગી
ઉલ્લેખનીય છે કે થોડા દિવસથી અજિત પવાર ફરી શરદ પવાર સાથે હાથ મિલાવે તેવી ચર્ચા ચાલી રહી છે અને એ દરમિયાન બંને એકસાથે દેખાતા આ ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. થોડા દિવસ પૂર્વે જ અજિત પવાર જૂથના નેતા તેમ જ પ્રધાન છગન ભુજબળ શરદ પવારને મળ્યા હતા. જેને પગલે ભુજબળ પણ પવાર સાથે જોડાવા માગતા હોવાના અહેવાલો વહેતા થયા હતા.
અજિત પવારે કર્યા સુપ્રિયા સુળેના વખાણ
સંસદમાં સુપ્રિયા સુળે સારી કામગીરી કરતી હોવાના વખાણ કરતા અજિત પવારે જણાવ્યું હતું કે સુપ્રિયા સુળેએ સંસદમાં સારી રીતે બાજુ માંડી હતી. લોકસભાના સત્ર પહેલા મુખ્ય પ્રધાન સાંસદો સાથે બેઠક યોજે છે અને રાજ્યના પ્રશ્ર્નો માંડે છે. સાંસદો તે પ્રશ્ર્ન સંસદમાં રજૂ કરે છે. સાંસદો પણ આપણી મદદ કરે છે.