યોગી આદિત્યનાથ પર બનેલી ફિલ્મને બોમ્બે હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી…

મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર બનેલી ફિલ્મને બોમ્બે હાઈ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. આ ફિલ્મ હવે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મનું નામ ‘અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’ છે.
તેની રિલીઝ અંગે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પહેલા તે ફિલ્મ જોશે પછી તેના અંગે આદેશ જારી કરવામાં આવશે. જેના પછી હવે ફિલ્મ નિર્માતાઓને રાહત મળી છે.
નિર્માતાઓએ સેન્સર બોર્ડ પર ફિલ્મની રિલીઝમાં વિલંબનો આરોપ લગાવ્યો હતો. હાઈ કોર્ટે આ મામલાની સુનાવણી કરી અને હવે તેમને મોટી રાહત આપી છે. કોર્ટે નિર્માતાઓની અરજી સ્વીકારી લીધી અને હવે ફિલ્મ રિલીઝ થશે. કોર્ટના આદેશ પછી નિર્માતાઓ આદેશની નકલ લઈને ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરશે.
આ ફિલ્મ અંગે સેન્સર બોર્ડ દ્વારા ઘણા વાંધા કાઢવામાં આવ્યા હતા અને તેની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાઇકોર્ટે તે બધા દ્રશ્યો જોયા જેના પર CBFC ને વાંધો હતો. જોકે, કોર્ટેને કોઈ પણ દ્રશ્યમાં કંઈ વાંધાજનક લાગ્યું નથી અને હવે આ ફિલ્મને રિલીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યોગી આદિત્યનાથના જીવન અને રાજકીય કારકિર્દી પર આધારિત આ ફિલ્મમાં તેમના જીવનના તમામ પાસાઓ દર્શાવવામાં આવશે. ગોરખપુરથી લઈને યુપીના મુખ્ય પ્રધાન બનવા સુધીની તેમની યાત્રા તેમાં દર્શાવી હોઈ શકે છે.
આ પણ વાંચો…બોમ્બે હાઈકોર્ટના ન્યાયધીશો યોગી આદિત્યનાથની બાયોપિક જોશે! જાણો શું છે વિવાદ