મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી ઉતર્યું, મુસાફરો સુરક્ષિત

મુંબઈ: આજે સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ(CSMIA) પર એક વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. કેરળના કોચીથી આવવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2744 A320એ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ (AI flight emergency landing at Mumbai Airport) કર્યું હતું, ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ટચડાઉન બાદ વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. અહેવાલ મુજબ વિમાનના ત્રણ ટાયર ફાટી ગયા છે અને એન્જીનને પણ નુકશાન પહોંચ્યું છે. સદભાગ્યે જાનહાની ટળી હતી, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સલામત છે.
ટાટા ગ્રુપની સહ માલિકીની એરલાઈન એર ઇન્ડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એક નિવેદનમાં એરલાઈને જણાવ્યું, “21 જુલાઈ 2025 ના રોજ કોચીથી મુંબઈ જતી ફ્લાઇટ AI2744ના લેન્ડિંગ દરમિયાન ભારે વરસાદને કારણે વિમાન રનવે પર ઉતરી ગયું હતું. જો કે વિમાન સુરક્ષિત રીતે ગેટ સુધી પહોંચી ગયું હતું, અને બધા મુસાફરો અને ક્રૂ સભ્યો નીચે ઉતરી ગયા હતાં. વિમાનને તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે.”
કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે CSMIA ખાતેની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. આ ઈમરજન્સી લેન્ડીંગને કારણે એરપોર્ટના મુખ્ય રનવે 09/27 ને સામાન્ય નુકસાન પહોંચ્યું છે, હાલમાં તેનું નિરીક્ષણ અને સમારકામ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ કામગીરીને હાલ અસ્થાયી રૂપે સેકન્ડરી રનવે 14/32 પર શિફ્ટ કરવામાં આવી છે.
આપણ વાંચો: કેમ્પાકોલા બિલ્ડિંગની યાદ અપાવતો ચૂકાદોઃ તાડદેવની હાઈરાઈઝના 17 માળ ખાલી કરવાનો આદેશ
CSMIA એ એક નિવેદનમાં જણાવ્યું, “કોચીથી આવી રહેલું એક વિમાન 21 જુલાઈ 2025 ના રોજ સવારે 9.27 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર રનવેથી ઉતારી ગયું હતું. CSMIA ની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી. હાલ તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. એરપોર્ટના પ્રાથમિક રનવે – 09/27 ને સામાન્ય નુકસાન પહોચ્યું છે. કામગીરી ચાલુ રાખવા માટે, સેકન્ડરી રનવે 14/32 ને સક્રિય કરવામાં આવ્યો છે. CSMIA ખાતે, સલામતી હંમેશા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહે છે.”
મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ખોરવાઈ ગઈ છે. CSMIAએ મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. CSMIAએ મુસાફરોને તેમની ફ્લાઇટનું સ્ટેટ્સ તપાસવા અને વરસાદને કારણે એરપોર્ટ પહોંચવા લાગી શકતા વધુ સમયને ધ્યાનમાં લેવા વિનંતી કરી છે.