ઓવૈસીનો મોટો દાવો, મહારાષ્ટ્રમાં નહીં બનવા દઈએ શિંદે અને ફડણવીસની સરકાર

મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડવાને લઈ AIMIM પ્રમુક અસદુદ્દીન ઓવૈસી મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં શિંદે અને ફડણવીસની સરકાર નહીં બનવા દઈએ. મહારાષ્ટ્રમાં અમારા પૂર્વ સાંસદ ઈમ્તિયાઝ જલીલે નાના પટોળે અને શરદ પવારને પત્ર લખ્યો છે. હવે તેમણે સીટોને લઈ ફેંસલો કરવાનો છે.
ઓવૈસીએ શું કહ્યું?
ઓવૈસીએ કહ્યું કે, હવે ફેંસલો તેમણે કરવાનો છે. અમે બીજું શું કરી શકીએ. અમારી ત્યાં પહેલાંથી જ મજબૂત રાજકીય ઉપસ્થિતિ છે. અમે મરાઠા અનામત કાર્યકર્તા જરાંગે પાટિલ સાથે પણ વાત કરી છે. અમે કોશિશ કરી રહ્યા છીએ, હવે તેમણે નિર્ણય કરવાનો છે. અમે આમ પણ ચૂંટણી તો લડી જ રહ્યા છીએ. કોંગ્રેસ હરિયાણામાં આસાનીથી જીતવું જોઈતું હતું પરંતુ તેઓ ન જીતી શક્યા, તેમણે આત્મનિરીક્ષણ કરવું પડશે. મહારાષ્ટ્રમાં અમે કોશિશ કરી પરંતુ હવે શું કરવું તેમના પર નિર્ભર છે.
આપણ વાંચો: Asaduddin Owaisi: ‘જય ભીમ, જય તેલંગાણા અને જય ફિલસ્તીન’ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં નારો લગાવ્યો
ગુરુવારે મહાવિકાસ અઘાડીની બેઠક થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ નાના પટોળેએ કહ્યું, 263 સીટ પર સહમતિ બની ચૂકી છે. પરંતુ જે 25 સીટ પર ત્રણ પક્ષો દાવો કરી રહ્યા છે તેવી સીટનો નિર્ણય ત્રણેય પક્ષના પ્રમુખ લેશે. 25 વિવાદીત સીટનું લિસ્ટ પ્રત્યેક પક્ષના હાઈકમાનને સોંપાશે. આ સીટો પર અંતિમ ફેંસલો ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને મલ્લિકાર્જુન ખડગેએ કરવાનો છે. મુંબઈમાં માત્ર ત્રણ સીટો જ એવી છે જેના પર ફેંસલો નથી થઈ શક્યો. અમે એક સાથે 288 સીટોની જાહેરાત કરવા ઈચ્છુક છીએ.
ઝારખંડને લઈને ઓવૈસીએ કહ્યું કે અમારી પાર્ટીએ આદિલ હસન અને રિયાઝ ઉલ હસન એફેન્ડીને ઝારખંડ મોકલ્યા છે. તેઓ ત્યાં જશે અને જોશે કે શું કરવું જોઈએ અને કેટલી સીટો લાવવી જોઈએ. આપણે ચૂંટણી લડવી જોઈએ કે નહીં? અખ્તરુલ ઈમાન જોશે કે આપણે બિહાર પેટાચૂંટણી લડવી જોઈએ કે નહીં. ઉત્તર પ્રદેશ પેટાચૂંટણી અંગે ઓવૈસીએ કહ્યું કે અમે અહીં ડૉ.પલ્લવી પટેલ અને અપના દળ સાથે મળીને ચૂંટણી લડીશું. અમે બે બેઠકો પર ચૂંટણી લડીશું.