અમદાવાદ જેવી ઘટના મુંબઈમાંઃ આ કારણે CA યુવાને કરી આત્મહત્યા

મુંબઈ: સાંતાક્રુઝ વિસ્તારમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેમના ઘરે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા બે શખ્સોએ તેને પ્રાઇવેટ વિડીયો લીક કરી દેવાની ધામકી આપી કરોડો રૂપિયાની માંગણી કરી બ્લેકમેઇલ કરી રહ્યા (Mumbai CA suicide case) હતાં. મહિનાઓથી સતત બ્લેકમેઇલને કારણે કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યું હતું. હજુ બે દિવસ પહેલા જ અમદાવાદમાં આવી જે જ ઘટનામાં યુવતીએ આત્મહત્યા કરી હતી.
32 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે રાજ લીલા મોરેએ ઝેર પીને જીવન ટુંકાવ્યું હતું, તેણે ત્રણ પાનાની સુસાઈડ નોટ પણ છોડી છે, જેમાં તેમણે બે શખ્સો પર બ્લેકમેલીંગનો આરોપ લગાવ્યો છે. વાકોલા પોલીસે સોમવારે બંને શંકાસ્પદો સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી અને ખંડણીનો કેસ દાખલ કર્યો હતો; જો કે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે અગાઉ ફરિયાદ નોંધાવી હતી કે બંને તેમને ધમકી આપી રહ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે શનિવારે સૂઈ ગયાના થોડી વાર પછી, રાજ મોરેએ તેની માતાને ફોન કર્યો, તેને ઉલટી થઇ રહી હતી. પડોશીઓની મદદથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું.
પ્રાઈવેટ વીડિયો બાબતે કરોડો રૂપિયા પડાવ્યા:
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની માતાને ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી હતી, જેમાં લખવામાં આવ્યું છે કે રાહુલ પરવાની અને સબા કુરેશી નામના શખ્સોએ તેનો પ્રાઈવેટ વીડિયો શેર કરી દેવાની ધમકી આપીને છેલ્લા 18 મહિનામાં કરોડો રૂપિયા પડાવ્યા હતાં. તેને પરિવારની બચતમાંથી પૈસા ઉપાડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, તેમજ બ્લેકમેઇલર્સને ચૂકવણી કરવા માટે તેની કંપનીના ખાતામાંથી મોટી રકમ વિથડ્રો કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ હાલ કંપનીના બેંક એકાઉન્ટની તપાસ કરી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે બ્લેકમેલર્સે બળજબરીથી એક લક્ઝરી કાર પણ તેની પાસેથી પડાવી લીધી હતી. CA રાજની માતાએ પોલીસને જણાવ્યું કે તેનો પુત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી માનસિક તણાવમાં હતો.
અધિકારીઓને ત્રણ પાનાની સુસાઈડ નોટ કબજે કરી છે, જેમાં એક પાનાં પર તેની માતાને સંબોધીને મેસેજ લખવામાં આવ્યો છે અને બીજી તેની કંપનીના ભાગીદારોને. ત્રીજા પાનાંમાં તેણે બે શખ્સોને તેના મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યા.
અમદાવાદમાં બે દિવસ પહેલા બની હતી આવી જ ઘટના:
હજુ બે દિવસ પહેલા ચાંદખેડામાં એક 21 વર્ષીય યુવતીએ મિત્રના ઘરની ટેરેસ પરથી કૂદીને મોતને વ્હાલું કર્યું હતું. એક અજાણ્યા શખ્સ પાસે તેનો પ્રાઈવેટ વિડીયો પહોચી ગયો હતો અને તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી. તણાવમાં આવીને યુવતીએ જીવન ટુંકાવ્યું હતું.
(નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 અને 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)
આ પણ વાંચો…મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યામાં 20 ટકાનો વધારો: 2025 ના પ્રથમ છ મહિનામાં 520 મોત