આમચી મુંબઈમહારાષ્ટ્ર

99 કલાક બાદ આખરે Central Railwayના પ્રવાસીઓએ લીધો રાહતનો શ્વાસ

રવિવારે બપોરે 1.10 વાગ્યે સીએસેમટીથી રવાના થઈ પહેલી લોકલ

મુંબઈઃ મધ્ય રેલવે (Central Railway) પર થાણે ખાતે જાહેર કરવામાં આવેલો 63 કલાક (Thane 63 Hours Mega Block) અને સીએસેમટી ખાતે હાથ ધરાયેલો 36 કલાક (CSMT 36 Hours Mega Block) આખરે રવિવારે પૂરો થયો હતો અને આ સાથે જ મુંબઈગરાઓએ રાહતનો શ્વાસ લીધ હતો. જોકે, રેલવેના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બ્લોક પૂરો થાય એ પહેલાં જ થાણે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 5 અને 6ની પહોળાઈ વધારવાનું કામ પૂરું થયું છે અને એને કારણે પ્રવાસીઓને રાહત મળી હોવાનો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.

મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર થાણે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 5ની પહોળાઈ વધારવાનું કામ હાથ ધરવા રેલવે દ્વારા 31મી મેની મધરાતથી જ 63 કલાકનો બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી હતી.

થાણેના પ્લેટફોર્મ નંબર પાંચ પર ડાઉન ફાસ્ટ લોકલની સાથે સાથે જ એક્સપ્રેસ ટ્રેન પણ ઊભી રહે છે જેને કારણે પ્રવાસીઓને પ્લેટફોર્મ પર ઊભા રહેવા માટે જગ્યા નથી હોતી. આવી પરિસ્થિતિમાં ઘણી વખત સ્ટેમપેડ થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. પ્રવાસીઓની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રેલવે દ્વારા પ્લેટફોર્મની પહોળાઈ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Central Railway’s 63-hour block:વખાણેલી ખિચડી દાઢે વળગીઃ શનિવારે રડી પડી મધ્ય રેલવે, પ્રવાસીઓ રઝળી પડ્યા

આ કામ માટે જ 31મી મેથી બીજી જૂન સુધીનો બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ રેલવે દ્વારા બ્લોકનો સમય પૂરો થાય એ પહેલાં કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું અને ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પાર પડી હતી. સમય કરતાં પહેલાં કામ પૂરું થઈ જતા ટ્રેનવ્યવહાર પણ સમયસર શરૂ કરી દેવામાં આવ્યો હોવાની માહિતી સાધનો દ્વારા આપવામાં આવી હતી.

દરમિયાન સીએસએમટી સ્ટેશન પર પણ રેલવે દ્વારા પ્લેટફોર્મ નં. 10 અને 11 પરથી 19 કોચની ટ્રેનને બદલે 24 કોચની ટ્રેન દોડાવી શકાય એ માટે પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે રેલવે દ્વારા પહેલી અને બીજી જૂનના 36 કલાકનો બ્લોક હાથ ધરવામાં આવ્યો હતો અને આ બ્લોક રવિવારે બપોરે 12.30 કલાકે પૂરો થયો હોઈ ભાયખલા અને વડાલા સુધી દોડાવવામાં આવતી ટ્રેનો સીએસએમટી સુધી દોડાવવામાં આવી હતી, જેને કારણે પ્રવાસીઓએ 99 કલાક બાદ રાહતનો શ્વાસ લીધો હતો.

99 કલાકના આ બ્લોકનો પ્રવાસીઓને શું ફાયદો થશે?

થાણે ખાતે પ્લેટફોર્મ નં. પાંચ પરથી ડાઉન ફાસ્ટ લાઈન પર કર્જત, કસારા, બદલાપુર માટે ડાઉન લોકલ દોડાવવામાં આવે છે અને આ જ પ્લેટફોર્મ પરથી લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો પણ દોડાવવામાં આવે છે. એમાં પણ જ્યારે ડાઉન ફાસ્ટ લોકલ અને એક્સપ્રેસ ટ્રેન એક સાથે આવે તો પ્રવાસીઓને પ્લેટફોર્મ પર ઊભા રહેવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે પ્લેટફોર્મની પહોળાઈ વધારવામાં આવતા પ્રવાસીઓને આ સમસ્યામાંથી રાહત મળશે અને પ્લેટફોર્મ પર થતી ભીડમાં પણ ઘટાડો થશે.

આ પણ વાંચો: મુંબઈગરા બન્યા કહ્યાગરાઃ Central Railwayમાં ત્રણ દિવસના Blockને કારણે પ્રવાસીઓએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું

સીએસએમટીની પ્લેટફોર્મ નં.10 અને 11 પર હાલમાં 18 કોચની એક્સપ્રેસ ટ્રેન જ ઊભી રહી શકતી હતી પરંતુ રેલવે દ્વારા તેની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને કારણે આ બ્લોક હાથ ધરવામાં આવ્યો હતો. હવે આ પ્લેટફોર્મ પર 24 કોચની ટ્રેન ઊભી રહી શકશે, જેને કારણે પરંતુ અપગ્રેડેશન બાદ આ પ્લેટફોર્મ પરથી 24 કોચની એક્સપ્રેસ ટ્રેન પણ દોડાવી શકાશે. આને કારણે ટ્રેનની પ્રવાસીઓ વહન કરવાની ક્ષમતામાં 20 ટકાનો વધારો થશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.

ડિસેમ્બર, 2024માં ફરી પ્રવાસીઓને વેઠવી પડશે હાલાકી?

સીએસએમટી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 10થી 14ની લંબાઈ ઓછી છે જેને કારણે આ તમામ પ્લેટફોર્મ પર હાલમાં 18 ડબાની એક્સપ્રેસ ટ્રેન જ ઊભી રહી શકે છે. રેલવે દ્વારા આ તમામ પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં તો 36 કલાકનો બ્લોક લઈને પ્લેટફોર્મ નં. 10 અને 11ની જ લંબાઈ વધારવામાં આવી છે.

હવે રેલવેના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષના અંત સુધીમાં રેલવે દ્વારા આવો બીજો બ્લોક લઈને તમામ પ્લેટફોર્મની લંબાઈ વધારવામાં આવશે. ડિસેમ્બર, 2024માં પ્લેટફોર્મ નં. 12,13 અને 14ની લંબાઈ વધારવાનું કામ હાથ ધરાશે, એ સમયે પણ આવો જ બ્લોક લેવામાં આવશે, એવી માહિતી સામે આવી રહી છે.

રવિવારે બપોરે સીએસએમટીથી ટિટવાલા માટે રવાના થઈ પહેલી લોકલ

મધ્ય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા 99 કલાકના બ્લોકને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ રેલવે દ્વારા સમય કરતાં પહેલાં જ સફળતાપૂર્વક નિર્ધારિત કામ પૂરા કરવામાં આવ્યા હતા. રવિવારે બપોરે 1.10 કલાકે સીએસએમટીથી ટિટવાળા માટે પહેલી લોકલ રવાના કરવામાં આવી હતી. સીએસએમટીથી ટ્રેન વ્યવહાર શરૂ થતાં પ્રવાસીઓએ રાહત અનુભવી હતી. બ્લોકને કારણે મધ્ય રેલવે પર ભાયખલા સુધી અને હાર્બર લાઈન પર વડાલા સુધી જ ટ્રેનો દોડાવવામાં આવી રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button