20 વર્ષ બાદ ઠાકરે બ્રધર્સ એક સ્ટેજ પર, મરાઠી અસ્મિતા માટે મુંબઈમાં રેલીનું આયોજન

મુંબઈમાં બે દાયકા બાદ શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના નેતા રાજ ઠાકરે એક સાથે એક મંચ પર જોવા મળશે. આજે વરલીમાં ‘અવાજ મરાઠીચા’ નામની વિજય રેલી આયોજન કરવામાં આવ્યું છે. જેનું આયોજન મહાયુતિ સરકારે પ્રાથમિક શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાનો નિર્ણય પાછો ખેંચ્યા બાદ કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો ઉદ્ધવ અને રાજ ઠાકરે સહિત સમાજના બૌદ્ધિક વર્ગે ઉગ્ર વિરોધ કર્યો હતો.
આ રેલી વરલીના એનએસસીઆઈ ડોમ ખાતે યોજાશે, જેની બંને પક્ષોએ ભવ્ય તૈયારીઓ પણ આદરી છે. કાર્યક્રમના ઓડિટોરિયમની ક્ષમતા 8,000ની છે, પરંતુ ભીડ એનાથી વધુ હોવાની શક્યતા સેવાય રહી છે. બહારના લોકો માટે એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે. મરાઠી નિર્માતા-દિગ્દર્શક અજીત ભુરે આ કાર્યક્રમનું સંચાલન કરશે. રેલીમાં મહારાષ્ટ્રનું નકશો ધરાવતું ભવ્ય મંચ અને 6,000 ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબ અને એમએનએસના બાલા નાંદગાંવકરે આયોજનની જવાબદારી સંભાળી છે. મુંબઈના લાલબાગ, પરેલ, દાદર અને વરલી જેવા વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેને શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે સાથે દર્શાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર બંને ભાઈઓને સિંહ તરીકે દર્શાવતા ટીઝર વાયરલ થયા છે, જેમાં ‘મરાઠી એકતા’ પર ભાર મૂકાયો છે.
આ રેલી મરાઠી અસ્મિતાના મુદ્દે યોજાઈ રહી હોવા છતાં, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ બંને ભાઈઓના રાજકીય પુનઃમિલનની શરૂઆત હોઈ શકે છે, ખાસ કરીને આગામી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને. શિવસેના (યુબીટી)ના નેતા કિશોરી પેડણેકરે જણાવ્યું કે આ રેલી ગઠબંધનની નવી શરૂઆત બની શકે છે. એનસીપી (એસપી)ના જયંત પાટીલ સહિતના સાથી પક્ષોના નેતાઓ પણ આ રેલીમાં જોડાશે.
આ પણ વાંચો…મરાઠીમાં ન બોલવા બદલ ‘હિન્દુઓ’ને નિશાન બનાવવા બદલ મહારાષ્ટ્રના પ્રધાને વાંધો ઉઠાવ્યો