10 વર્ષ બાદ સંસદમાં મુંબઈના ગુજરાતીનો પ્રતિનિધિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પરિણામો મંગળવારે બહાર આવ્યા તેની સાથે જ એક મહત્ત્વની બાબત સામે આવી છે, 1999માં જે મુંબઈમાંથી બે ગુજરાતી સંસદસભ્યો હતા તે જ મુંબઈમાં 2024માં એકેય ગુજરાતી સંસદ સુધી પહોંચી શક્યો નથી.
મુંબઈની છ લોકસભા બેઠકમાંથી પાંચ બેઠકો પર મહાવિકાસ આઘાડી (ઈન્ડી ગઠબંધન)નો વિજય થયો છે, જ્યારે એકમાત્ર પિયુષ ગોયલની બેઠક બચાવવામાં ભાજપ સફળ થયું છે.
મુંબઈમાં વિજયી થયેલા એકમાત્ર ભાજપના ઉત્તર મુંબઈના ઉમેદવાર પિયુષ ગોયલના વિજયમાં આ વિસ્તારમાં વસતા ગુજરાતીઓનું મોટું યોગદાન છે અને શનિ-રવિની રજા બાદ આવી રહેલા સોમવારના મતદાનને કારણે ત્રણ દિવસનું મીની-વેકેશન મળતું હોવા છતાં આ વિસ્તારના ગુજરાતી મતદારોએ પોતાની ફરજ સમજીને મોટી સંખ્યામાં મતદાન કર્યું હોવાથી પિયુષ ગોયલને સફળતા મળી છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મુંબઈગરાને રિઝવવા ઉમેદવારોનો ટાર્ગેટ શું હશે?
બીજી તરફ ચૂંટણીના જંગમાં રહેલા એકમાત્ર ગુજરાતી ઉમેદવાર ઈશાન મુંબઈના મિહીર કોટેચાને મતદાન કરવામાં ગુજરાતી મતદારો કાચા પડ્યા હોવાનું જણાઈ રહ્યું છે. જે રીતે શિવસેના (યુબીટી)ના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને મતદારોને મતદાન કરવા માટે બહાર કાઢ્યા હતા તે કામ ભાજપના કાર્યકર્તાઓ કરી શક્યા નહોતા.
1999ની લોકસભામાં જયવંતીબહેન મહેતા અને કિરીટ સોમૈયા અનુક્રમે દક્ષિણ મુંબઈ અને ઈશાન મુંબઈથી વિજયી થયા હતા. 2004માં અનુક્રમે મિલીંદ દેવરા અને ગુરુદાસ કામતે બંનેને હરાવ્યા હોવાથી એકેય ગુજરાતી સંસદમાં મુંબઈથી પહોંચી શક્યો નહોતો. ત્યારબાદ થયેલી 2009ની ચૂંટણીમાં મુંબઈમાંથી સંજય નિરૂપમ, ગુરુદાસ કામત, સંજય દીના પાટીલ, પ્રિયા દત્ત, વર્ષા ગાયકવાડ અને મિલીંદ દેવરા સંસદમાં પહોંચ્યા હતા.
2014માં કિરીટ સોમૈયા અને 2019માં મનોજ કોટકના રૂપમાં મુંબઈને ગુજરાતી સંસદસભ્યો મળ્યા હતા. આ બંને ઈશાન મુંબઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને આ બેઠક પરથી આ વખતે મિહીર કોટેચાને ઉમેદવારી આપવામાં આવી હતી, પરંતુ તેઓ પક્ષ દ્વારા દાખવવામાં આવેલા વિશ્ર્વાસને સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા અને પરિણામે મુંબઈના ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરનારું સંસદમાં કોઈ નથી.