‘એડોલ્ફ હિટલર કટ્ટર રાષ્ટ્રભક્ત’. મહારાષ્ટ્રના આ નેતાએ કરી હિટલરની પ્રશંસા…
!['Adolf Hitler a staunch patriot'. This Maharashtra leader praised Hitler...](/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-04T182051.794.jpg)
મુંબઇ: પોતાના બિનધાસ્ત અને નિડર તેમ જ સ્પષ્ટ વિચારો પ્રગટ કરવા માટે જાણીતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ આ લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જોકે, હાલ રાજ ઠાકરેએ આપેલા એક નિવેદનના કારણે તે ચર્ચામાં છે. રાજ ઠાકરેએ જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરની પ્રશંસા કરી છે અને હિટલરની પ્રશંસા કરતું તેમનું નિવેદન ખૂબ જ ચર્ચાઇ રહ્યું છે.
રાજ ઠાકરેએ હિટલરને કટ્ટર રાટ્રભક્ત ગણાવ્યા હતા અને કહ્યું હતું કે હિટલર હોય કે ચર્ચિલ તેમનો દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે જુદો હતો. એડોલ્ફ હિટલરે જે રીતે જ્યૂ(યહૂદી) લોકોની હત્યા કરી તેનું કોઇપણ સમર્થન કરી ન શકે અને જર્મનના લોકો પણ નથી કરતા, પણ તેમણે જે જર્મની ઊભું કર્યું તેની સરખામણી ન થઇ શકે.
તેમણે હિટલરની પ્રશંસા કરતા કહ્યું હતું કે 1923માં એક વ્યક્તિએ ટેલરિંગની દુકાન કરી હતી અને 1929-30માં તે દુકાન સાવ ખોટમાં ગઇ. 1931માં એ ટેલર નાઝી પક્ષમાં જોડાયો અને તેની ઇચ્છા હતી કે તે હિટલર માટે યુનિફોર્મ બનાવે. તે હિટલરને મળ્યો અને તેની માટે ઓવરકોટ, કેપ, શર્ટ, નાઝીનું પ્રતિક બધુ જ બનાવ્યું. હિટલરને તે એટલું બધુ ગમ્યું કે આખા સૈન્યનો યુનિફોર્મ બનાવવાનો ઓર્ડર આપ્યો. તે અત્યાર સુધીનો સૌથી સ્ટાઇલિશ યુનિફોર્મ માનવામાં આવે છે.
આજની તારીખમાં તે યુનિફોર્મ બનાવનાર હ્યુગો બૉસ દુનિયાની મોટી બ્રાંડ છે. હિટલરના કાળમાં મર્સિડીઝ કંપનીએ સ્ટ્રેઇટ લિમોઝીન બનાવી હતી. હિટલરે બનાવેલા મ્યુઝિયમ પણ આપણે જોઇ શકીએ છીએ. આવી અનેક વસ્તુઓ છે. હવે યુદ્ધ હારી જતા તે વિલન બની ગયો. લંડનમાં સૌથી વધુ વેંચાનારી ડોક્યુમેન્ટરી હિટલરની છે, એમ કહી રાજ ઠાકરેએ હિટલરના કામોની પ્રશંસા કરી હતી.