Ad એજન્સીએ Illegal hordings હટાવવાની સિડકોની નોટિસને હાઈ કોર્ટમાં પડકારી
મુંબઈઃ શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (CIDCO)એ ૨૨મેના રોજ નવી મુંબઈ એરપોર્ટ ઈન્ફલ્યુએન્સ નોટિફાઈડ એરિયામાં ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવા માટે નોટિસ જારી કર્યા પછી બે જાહેરાત એજન્સીએ નોટિસને પડકારતી અરજી બોમ્બે હાઈ કોર્ટમાં કરી છે. એજન્સીઓની દલીલ છે કે ૨૪ કલાકની અંદર કાર્યવાહી કરવાની નોટિસો મનસ્વી અને ગેરકાયદે છે.
ઘાટકોપરમાં ૧૩ મેના રોજ પેટ્રોલ પંપ પર એક વિશાળ બિલબોર્ડ તૂટી પડવાથી ૧૭ લોકોના મોત અને ૭૫ અન્ય ઘાયલ થયા પછી સિડકોએ કાર્યવાહી કરી છે. આ ઘટના પછી સિડકોએ આવા અકસ્માતોને રોકવા અરજદારો સહિત જાહેરાતકર્તાઓને બહુવિધ નોટિસ પાઠવી હતી.
અરજદારો – દેવાંગી આઉટડોર એડવર્ટાઈઝિંગ અને ગાર્ગી ગ્રાફિક્સના માલિક હરમેશ દિલીપ તન્ના – હાઈ-વે અને એક્સપ્રેસ-વે પર હોર્ડિંગ્સ ઉભા કરવા આ સ્થાનોને કાયદેસર રીતે લે છે અને અધિકારીઓ પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવે છે.
આમ છતાં તેમને ૨૨ મેના રોજ તેમના હોર્ડિંગ્સ ૨૪ કલાકની અંદર દૂર કરવા અથવા મહારાષ્ટ્ર પ્રાદેશિક અને ટાઉન પ્લાનિંગ એક્ટ, ૧૯૬૬ હેઠળ કાર્યવાહીનો સામનો કરવા માટે નોટિસ મળી હતી. નોટિસમાં એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જો હોર્ડિંગ્સ દૂર કરવામાં નહીં આવે, તો અધિકારીઓ તેને તોડી પાડશે અને અરજદારો પાસેથી ખર્ચ વસૂલ કરશે.
અરજદારોની દલીલ છે કે નોટિસો અનેક કારણોસર ગેરકાયદે છે, જેમાં કથિત અનધિકૃત બાંધકામોના ચોક્કસ માપનો અભાવ અને તે સ્પષ્ટતા નથી કે તે બાંધકામ અસ્થાયી છે કે કાયમી છે. વધુમાં, નોટિસોમાં કથિત અનધિકૃત બાંધકામોના સ્કેચ અથવા વિગતવાર વર્ણનનો સમાવેશ થતો નથી. અરજદારોનો દાવો છે કે નોટિસો શો-કોઝ નોટિસ વિના જારી કરવામાં આવી હતી, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
ઘાટકોપર ઘટનાની ગંભીરતાને સ્વીકારતી વખતે અરજદારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે તમામ જાહેરાતકર્તાઓ સામે તેમના હોર્ડિંગ્સની માળખાકીય સ્થિરતાની ચકાસણી કર્યા વિના અંધાધૂંધ કાર્યવાહી કરવી યોગ્ય નથી. તેઓએ દલીલ કરી કે સિડકોની કાર્યવાહી માત્ર મનસ્વી નથી પણ ગેરકાયદેસર પણ છે. વેકેશન બેન્ચમાં જસ્ટિસ એન.આર. બોરકર અને જસ્ટિસ સોમશેખર સુંદરેશન સોમવારે અરજીઓ પર સુનાવણી કરશે.