પ્રેસ કોન્ફરન્સ વખતે કાર્યકર્તાઓએ નેતાની કરી મારપીટ, વીડિયો વાઈરલ

મુંબઈ: રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મેળેલી જીતની હેટ્રિકની ઉજવણી કરી રહી છે, પણ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ભાજપના નેતાઓને કાર્યકર્તાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. બુલઢાણા જિલ્લામાં ભાજપના નેતા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી ત્યારે અમુક કાર્યકરોએ નેતાની નજીક ધસી જઈને જોરદાર મારપીટ કરી હતી, ત્યારબાદ તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો.
આ વીડિયો બુલઢાણાના મેહકર વિસ્તાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રના ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પાર્ટીના છ કાર્યકર્તાને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. મેહકર શહેરમાં ભાજપના નેતાઓએ ગઇકાલે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મળેલી જીત અને શહેરમાં કરવામાં આવેલા વિકાસ કામકાજ અંગે માહિતી આપવા માટે શહેરના પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ શરૂ થયાના પહેલા ભાજપના કાર્યકરોની ભાજપના નેતાઓ સાથે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો.
વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ભાજપ કાર્યકરના હાથમાં લોખંડની પાઈપ પણ જોવા મળી રહી છે. ઝગડો થતાં ભાજપના કાર્યકરો નેતાઓ પર તૂટી પડ્યા હતા અને તેમને માર માર્યો હતો. આ ઘટનામાં અનેક નેતાને ઇજા પણ થઈ હતી.
ભાજપના વિધાનસભા અધ્યક્ષે આ મામલે પોલીસઆ ફરિયાદ નોંધાવતાં 23 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે. આ સંપૂર્ણ ઘટનાની જાણકારી બુલઢાણા જિલ્લાના અધ્યક્ષે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને આપી હતી. બાવનકુળેએ આ મામલે છ કાર્યકરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.