વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ: કૉંગ્રેસ હાઇ કમાન્ડ સાથે ચર્ચા બાદ કાર્યવાહી થશે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ થવાના કારણે મહાવિકાસ આઘાડીના એક ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે મહાયુતિના તમામ નવ ઉમેદવારો ચૂંટણીમાં જીત્યા હતા. આ મામલે કૉંગ્રેસના વિધાનસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાતા ક્રોસ વોટિંગ કરનારા વિધાનસભ્યો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાલ કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલે દિલ્હીમાં છે ત્યારે તે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળીને ક્રોસ વોટિંગ કરનારા વિધાનસભ્યો વિરુદ્ધ શું કાર્યવાહી કરાશે તેનો નિર્ણય લેશે.
અમુક નાના દળો અને કૉંગ્રેસના પાંચ વિધાનસભ્યોએ કરેલા ક્રોસ વોટિંગના કારણે ગણતરીની વિરુદ્ધ મહાયુતિના આઠને બદલે નવ ઉમેદવાર વિધાન પરિષદની ચૂંટણીમાં વિજયી થયા હતા.
આ પણ વાંચો: મુખ્યમંત્રી એકનાથ શિંદેની રણનીતિ સફળ વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિના બધા ઉમેદવાર વિજયી
મહાયુતિમાં ભાજપે ઊભા કરેલા પાંચ ઉમેદવાર જ્યારે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપી પ્રત્યેકના બબ્બે વિધાનસભ્યો આ ચૂંટણીમાં જીત્યા હતા. અગિયાર બેઠકોની ચૂંટણીમાંથી મહાવિકાસ આઘાડીના ફાળે ફક્ત બે જ બેઠકો આવી હતી.
કૉંગ્રેસના પાંચ વિધાનસભ્યોએ કરેલા ક્રોસ વોટિંગના કારણે મહાવિકાસ આઘાડીના ઉમેદવાર પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઑફ ઇન્ડિયાના જયંત પાટીલને હારનો સામનો કરવો પડ્યો હતો.
જેને પગલે કૉંગ્રેસે પોતાના પાંચ વિધાનસભ્યો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. કૉંગ્રેસ હાઇ કમાન્ડ સાથે ચર્ચા બાદ હવે આ અંગે આખરી નિર્ણય લેવાશે.