આમચી મુંબઈમહારાષ્ટ્ર

મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

થાણે: નાણાંના વિવાદમાં થાણેમાં 12 વર્ષ અગાઉ મિત્રની હત્યા કરવાના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો હતો. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે જણાવ્યું હતું કે શાકભાજી વેચનારા ઈનામુલ ઈયાદઅલી હક (52) વિરુદ્ધના આરોપ સિદ્ધ કરવામાં તપાસકર્તા પક્ષ નિષ્ફળ ગયો છે.

તપાસકર્તા પક્ષ અનુસાર હક અને તઝાજુલ હક ડુક્કુ શેખ થાણેના કોપરી પરિસરમાં એક જ રૂમમાં રહેતા હતા. શેખ પણ શાકભાજી વેચીને ગુજરાન ચલાવતો હતો. હકે શેખને ઉછીનાં નાણાં આપ્યાં હતાં, જે તે પાછાં માગતો હતો.

સપ્ટેમ્બર, 2012માં નાણાં જ મામલે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. રોષમાં આવી હકે છરીથી હુમલો કર્યો હતો, જેમાં શેખનું મૃત્યુ થયું હતું, એવો દાવો તપાસકર્તા પક્ષે કર્યો હતો. આ કેસમાં નવ વર્ષ પછી હકની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પત્નીની આત્મહત્યા બાદ પુત્રની હત્યા કરી પતિએ ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

બચાવ પક્ષના વકીલ સાગર કોલ્હેએ તપાસકર્તા પક્ષની વાર્તા અને તપાસ સામે અનેક પ્રશ્ર્ન ઉપસ્થિત કર્યા હતા.
આદેશમાં જજે નોંધ્યું હતું કે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ઘટનાને નજરે જોનારો સાક્ષીદાર કોઈ નથી. આરોપી અને મૃતક એક જ રૂમમાં રહેતા હતા તે દર્શાવવા માટે પોલીસે રૂમની માલકણની તપાસ કરી નહોતી.

કોર્ટે જણાવ્યું હતું કે ઘટના સમયે મૃતકનો ભાઈ વતનમાં હતો. પોલીસે માહિતી આપ્યા પછી તે થાણેમાં આવ્યો હતો. તેનું પણ એવું કહેવું છે કે તેને શંકા છે કે આરોપી મૃતક સાથે રહેતો હોવાથી તેણે જ હત્યા કરી હોઈ શકે.

આ સંજોગોમાં આરોપીએ ગુનો કર્યો હોવાનું સિદ્ધ કરવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે, એવી નોંધ કરીને કોર્ટે હકને નિર્દોષ છોડ્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button