ચોરીના 50થી વધુ ગુનામાં સંડોવાયેલો આરોપી તેના સાથીદાર સાથે પકડાયો

થાણે: થાણે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ ચોરીના 50થી વધુ ગુનામાં સંડોવાયેલા લક્ષ્મણ સુરેશ શિવશરણને તેના સાથીદાર સુકેશ મુદન્ના કોટિયન સાથે થાણે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી 53.41 લાખ રૂપિયાના દાગીના અને 78 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ડોંબિવલીના વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં દાખલ ચોરીના ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓ કરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં શકમંદ નજરે પડ્યો હતો. શકમંદને લક્ષ્મણ સુરેશ શિવશરણ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા બાદ તેની શોધ ચલાવાઇ હતી અને આખરે મળેલી માહિતી પરથી પોલીસે ભિવંડીમાં છટકું ગોઠવીને તેને તાબામાં લીધો હતો.
આપણ વાંચો: નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરમાંથી રિવોલ્વર ચોરી બાળકોએ ગોળીબાર કર્યો
લક્ષ્મણે ચોરેલા દાગીના તેના સાથીદાર સુકેશ કોટિયનને વેચવા માટે આપ્યા હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યા બાદ પોલીસ ટીમે સુકેશને પણ ઝડપી પાડ્યો હતો. આરોપી લક્ષ્મણ શિવશરણ ચોરીના 50થી વધુ ગુનામાં સામેલ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.