ગોળીબાર કરી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં આરોપી નવી દિલ્હીમાં પકડાયો...
આમચી મુંબઈ

ગોળીબાર કરી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં આરોપી નવી દિલ્હીમાં પકડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દારૂ પીતી વખતે થયેલી ઉગ્ર બોલાચાલી પછી ગોળીબાર કરી મિત્રની હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં ફરાર આરોપીને નવી દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-12ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ નિહાઝ ઉર્ફે ગુડ્ડુ શેખ તરીકે થઈ હતી. આરોપીને વધુ કાર્યવાહી માટે કુરાર પોલીસ સ્ટેશનના તાબામાં સોંપાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના મલાડ પૂર્વના કુરાર વિલેજ પરિસરમાં સંજય નગરમાં રવિવારના મળસકે બની હતી. આરોપી શેખ અને ફરિયાદી અબુ તલ્હા અવ્વલ બેગ (58) સંજય નગરના રામજી કમ્પાઉન્ડ પાસે દારૂ પીવા બેઠા હતા. દારૂ પીતી વખતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

ઉગ્ર દલીલો પછી રોષમાં આવી શેખે પિસ્તોલમાંથી બેગ પર ગોળીબાર કર્યો હતો. શેખે એક રાઉન્ડ ફાયર કર્યું હતું, જેમાં ગોળી બેગના કાનને અડીને પસાર થઈ ગઈ હતી. બેગને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાંથી તેને મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવની જાણ થતાં કુરાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ મળી આવી હતી, પણ આરોપી ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી શેખ નવી દિલ્હીમાં છે. માહિતીને આધારે પોલીસની ટીમ નવી દિલ્હી પહોંચી હતી અને આરોપીને તાબામાં લીધો હતો. તેની પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને બે કારતૂસ જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો…મહારાષ્ટ્રના પાલઘરમાં બની ચોંકાવનારી ઘટના, ટ્રેનમાંથી ફેકેલું નારિયેળ વાગતાં યુવકનું મોત

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button