થાણેમાં રિવોલ્વરની સફાઈ વખતે અકસ્માતે ગોળી છૂટી: ત્રણ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિવોલ્વરની સાફસફાઈ વખતે અકસ્માતે છૂટેલી ગોળીથી કંપનીના માલિક સહિત ત્રણ જણ ઘવાયા હોવાની ઘટના થાણેમાં બની હતી. શ્રીનગર પોલીસના જણાવ્યા મુજબ શનિવારે સાંજે બનેલી ઘટનામાં કંપનીના માલિક મોહમ્મદ ઉમર શેખ (50) સહિત બિપિન કુમાર જગજીવન જયસ્વાલ (21) અને રાહુલ કુમાર જયસ્વાલ (23) જખમી થયા હતા. સારવાર માટે તેમને થાણે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
થાણેના લોકમાન્ય નગર પરિસરમાં રહેતા શેખની વાગળે એસ્ટેટ પરિસરમાં ચામુંડા ફેબ્રિકેટર્સ નામે કંપની આવેલી છે. શનિવારે સાંજે શેખ કંપનીમાં બેસીને તેની રિવોલ્વરની સફાઈ કરી રહ્યો હતો. અચાનક રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયર થયું હતું.
ગોળીબારની માહિતી મળતાં શ્રીનગર પોલીસ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં ભૂલથી ગોળી છૂટી હોવાનું જાણવા મળ્યું હતું. શેખ પાસે રિવોલ્વરનું લાઈસન્સ હોવાની પણ ખાતરી પોલીસે કરી હતી. ઘટનાની નોંધ કરી શ્રીનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે.