આમચી મુંબઈ

દહિસર ટોલનાકા પાસે વિચિત્ર અકસ્માતમાં ટોલ બૂથના કર્મચારીએ જીવ ગુમાવ્યો…

ટ્રેલરની બહારની તરફ રખાયેલા સામાન અને ટોલ બૂથ વચ્ચે કર્મચારી દબાયો: ટોલ બૂથ ઊંધું વળતાં રહી ગયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દહિસર ટોલનાકા પરથી પસાર થનારા ટ્રેલરને કારણે થયેલા વિચિત્ર અકસ્માતમાં ટોલ બૂથ પરના કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો. ટ્રેલરની બહારની તરફ જોખમી હાલતમાં રખાયેલા સામાનને કારણે ટૉલ બૂથ ઊંધું વળતાં રહી ગયું તો બૂથ અને સામાન વચ્ચે કર્મચારી દબાઈ ગયો હતો.

દહિસર પોલીસના જણાવ્યા મુજબ શનિવારની વહેલી સવારે સાડાપાંચ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા કર્મચારીની ઓળખ નાગેશ નરસપ્પા ઉસીરલા (38) તરીકે થઈ હતી. ઘટના બાદ ટ્રેલર સાથે ડ્રાઈવર ફરાર થઈ ગયો હોઈ પોલીસે તેની શોધ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર નાગેશ તેના સાથી હરીશ બૈરાગી સાથે નાઈટ ડ્યૂટીમાં શુક્રવારની રાતે 11 વાગ્યાની આસપાસ ટોલનાકા ખાતે ફરજ પર હાજર થયો હતો. બન્નેની ડ્યૂટી દહિસર ટોલનાકાના બૂથ નંબર-1 ખાતે હતી. ત્યાંથી પસાર થનારા વાહનના ડ્રાઈવરોને બન્ને જણ ટોલપાવતી બનાવીને આપતા હતા.

ફરિયાદમાં જણાવાયું હતું કે વહેલી સવારે દહિસરથી મીરા રોડ તરફ એક ટ્રેલર જઈ રહ્યું હતું. આ ટ્રેલરના પાછળ ક્ધટેઈનરના ભાગમાં બહારની તરફ જોખમી રીતે સામાન રાખવામાં આવ્યો હતો. સામાન એટલો બહાર હતો કે તે ટોલ બૂથને અડી ગયો હતો, જેને કારણે બૂથ હલી ગયું હતું અને ઊંધું વળવા લાગ્યું હતું.

બૂથ પાસે હાજર હરીશ સમયસર દૂર ખસી ગયો હતો, જ્યારે નાગેશ ટ્રેલર પરના સામાન અને બૂથ વચ્ચે દબાઈ ગયો હતો. ગંભીર જખમી નાગેશ ઘટનાસ્થળે બેભાન થઈ જમીન પર ફસડાઈ પડ્યો હતો. રિક્ષામાં તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button