વેસ્ટર્ન રેલવેનો રેઢિયાળ કારભાર: એસી લોકલનું ટાઈમટેબલ સાચવવા માટે સામાન્ય લોકલ સાથે ઓરમાયું વર્તન
થ્રુ-લાઈનથી દોડાવવાને બદલે જાણી જોઈને સ્લો-લાઈન પર ટ્રેન ચલાવીને રખડાવવામાં આવે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વેસ્ટર્ન રેલવેનો કારભાર દિવસે-દિવસે રેઢિયાળ બની રહ્યો છે અને કાયમ મોડી પડતી એસી લોકલના ટાઈમટેબલને સાચવવા માટે સામાન્ય લોકલને રોજ 10-15 મિનિટ મોડી કરવાના બનાવો અત્યંત સામાન્ય બની રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વિરારથી 2.05 વાગ્યે ચર્ચગેટ માટે દોડતી ફાસ્ટ લોકલ અને 3.12 વાગ્યે વિરારથી ચર્ચગેટ માટે દોડતી ફાસ્ટ લોકલના પ્રવાસીઓને રેલવેના રેઢિયાળ કારભારને કારણે કાયમ હાલાકીનો સામનો કરવો પડે છે.
મુંબઈ સમાચારનું વાચકોને આવાહન
મુંબઈ સમાચારના જે વાચકોને વેસ્ટર્ન રેલવેના રેઢિયાળ કારભારના આવા અનુભવો થયા હોય તેઓ મુંબઈ સમાચારને પોતાની વાત લખીને તફળફભવફિ.બજ્ઞળબફુલળફશહ.ભજ્ઞળ પર મોકલી શકે છે. વાચકોની લાગણીને વાચા આપવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેના ચર્ચગેટ સ્ટેશને નોંધાવવામાં આવેલી એક પ્રવાસી વિપુલ વૈદ્યની ફરિયાદ મુજબ 3.12 વાગ્યે વિરારથી નીકળનારી ચર્ચગેટ માટેની ફાસ્ટ લોકલ વસઈ સ્ટેશનથી સમયસર એટલે કે 3.23 વાગ્યે ઉપડી હતી, પરંતુ આ લોકલ ચર્ચગેટ સ્ટેશને નિર્ધારિત 4.38 વાગ્યે પહોંચવાને બદલે 4.54 વાગ્યે એટલે કે 16 મિનિટ મોડી પહોંચી હતી.
જ્યારે તેના પછીની વસઈથી 3.32 વાગ્યે ઉપડનારી દહાણુ ચર્ચગેટ લોકલ તેના નિર્ધારિત સમય 4.43 વાગ્યે પહોંચવાને બદલે 4.48 વાગ્યે એટલે કે ફક્ત પાંચ મિનિટ મોડી અને તેના પછીની વસઈથી 3.37 વાગ્યે ઉપડનારી એસી લોકલ તેના નિર્ધારિત સમય 4.47થી ફક્ત ત્રણ મિનિટ મોડી એટલે કે 4.50 વાગ્યે પહોંચી ગઈ હતી.
આના પરથી સ્પષ્ટ રીતે એવું તારણ કાઢી શકાય કે એસી લોકલને વધુ મોડું ન થાય એનું ધ્યાન રાખવા માટે સામાન્ય લોકલને રખડાવવામાં આવી હતી.
આ લોકલમાં મુસાફરી કરનારા પ્રવાસીઓના જણાવ્યા મુજબ સામાન્ય સંજોગોમાં 3.23 વાગ્યે વસઈથી નીકળ્યા પછી થ્રુ-લાઈન પર આ ટ્રેનને નાખવામાં આવતી હોય છે, પરંતુ સોમવારે જાણી જોઈને આ ટ્રેનને ઠેઠ ગોરેગાંવ સુધી સ્લો લાઈન પર ચલાવવામાં આવી હતી અને થ્રુ લાઈન પરથી દહાણુ-ચર્ચગેટ લોકલ રવાના થયા બાદ ગોરેગાંવમાં આ લોકલને થ્રુ લાઈન પર લેવામાં આવી હતી, ત્યાં સુધીમાં આ ટ્રેન 13 મિનિટ જેટલી મોડી પડી ચૂકી હતી.
આ પણ વાંચો: વેસ્ટર્ન રેલવેની ઈમારતને ટાંચ મારવાની ચેતવણી
મરીનલાઈન્સ સ્ટેશનથી આ લોકલને બે નંબરના પ્લેટફોર્મ પર લઈ જવા માટે ફરી સ્લો-લાઈન પર લઈને બહાર ઊભી રાખવામાં આવી હતી, જ્યારે થ્રુ લાઈનથી એસી લોકલને ચાર નંબરના પ્લેટફોર્મ પર સીધી જ લઈ જવામાં આવી હતી. આમ જ્યારે આ લોકલ ચર્ચગેટ સ્ટેશને પહોંચી ત્યારે બધું મળીને 16 મિનિટ મોડી પડી ચૂકી હતી.
આ લોકલના પ્રવાસીઓના જણાવ્યા મુજબ 3.23ની લોકલ માટે આ દૈનિક હાલાકી છે. ગમે ત્યારે આ લોકલને સ્લો લાઈન પર ચલાવીને મોડી પાડવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં આ લોકલ દહાણુ-ચર્ચગેટ અને એસી લોકલ પહેલાં ચર્ચગેટ પહોંચવી જોઈએ.
અન્ય એક પ્રવાસીએ એવી માહિતી આપી હતી કે આવી જ હાલાકી વિરારથી 2.05 વાગ્યે ચર્ચગેટ માટે રવાના થતી લોકલના પ્રવાસીઓને પણ ભોગવવી પડે છે. 1.57 વાગ્યે વિરારથી ઉપડતી દહાણુથી ચર્ચગેટ માટેની લોકલ દૈનિક ધોરણે મોડી પડતી હોય છે. તેમ જ વિરારથી 2.06 વાગ્યે ચર્ચગેટ માટે એસી લોકલ દોડાવવામાં આવે છે.
આ બંને લોકલ થ્રુ-લાઈન પરથી પસાર ન થાય ત્યાં સુધી 2.05ની લોકલને સ્લો ટ્રેક પર જ દોડાવવામાં આવે છે અને કેટલીક વખત તો બાંદ્રા-માહિમમાં આ ટ્રેનને થ્રુ-લાઈન પર લેવામાં આવે છે. આને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને કાયમ મોડા પડવાનું થાય છે.
વેસ્ટર્ન રેલવેમાં ફરિયાદ કરતાં ચર્ચગેટના સ્ટેશન માસ્તરે એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે સિગ્નલ ફેઈલ્યોર, ટીપી અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોને કારણે લોકલ મોડી પડતી હોય છે. વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓની મનમાનીને કારણે પ્રવાસીઓને પડતી હાલાકીને ઢાંકવાનો પ્રયાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.