છેતરપિંડીથી મેળવેલાં નાણાંથી સોનું ખરીદવાની લાલચમાં યુવક લૉકઅપભેગો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઑનલાઈન છેતરપિંડીથી મેળવેલાં નાણાંથી મલાડની જ્વેલર્સની દુકાનમાંથી સોનું ખરીદવાની લાલચમાં યુવક પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. દાગીના ખરીદતી વખતે આરોપીએ રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કર્યા હતા, જેને પગલે મોબાઈલ નંબરને આધારે પોલીસે તેને ટ્રેસ કર્યો હતો.
બોરીવલી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ મોહમ્મદ ઈમરાન જમાલ મોહમ્મદ (28) તરીકે થઈ હતી. મલાડના માલવણી પરિસરમાં રહેતા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
ફરિયાદી મનીષ રાણેને વ્હૉટ્સઍપ મેસેજ મોકલી ટાસ્ક ફ્રોડમાં સપડાવવામાં આવ્યો હતો. ઑનલાઈન પ્રિપેઈડ ટાસ્કને બહાને ફરિયાદી પાસેથી 7.46 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં ફરિયાદીએ નાણાં પાછાં માગતાં આરોપીએ ઉડાઉ જવાબ આપ્યા હતા અને બાદમાં મોબાઈલ સ્વિચ ઑફ્ફ કરી નાખ્યો હતો.
આ પ્રકરણે બોરીવલી પોલીસે ગુનો નોંધી ફરિયાદીએ જે બૅન્ક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેની વિગતો મેળવી હતી. એક બૅન્ક ખાતામાંથી મલાડની બે જ્વેલર્સની દુકાનના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે દુકાનોમાં તપાસ કરતાં આરોપીએ સોનાના દાગીના ખરીદીને ઑનલાઈન પદ્ધતિથી બિલ ચૂકવ્યાં હોવાનું જણાયું હતું. આ માટે જે મોબાઈલ નંબરનો ઉપયોગ થયો હતો તેને પોલીસે ટ્રેસ કર્યો હતો.
એ સિવાય દુકાનમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીની ઓળખ મેળવવામાં આવી હતી. આરોપી માલવણી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળતાં પોલીસે તેને તાબામાં લીધો હતો.