આમચી મુંબઈમહારાષ્ટ્ર

વેપારીની બૅગમાંથી સોનાના દાગીના સેરવી લેનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દક્ષિણ મુંબઈના ઝવેરીબજારથી કલ્યાણ જવા નીકળેલા વેપારીની સેકબૅગમાંથી લાખોની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ સેરવી લેનારા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો.

આઝાદ મેદાન પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અબ્બાસ મુસ્તફા લબ્બે (28) તરીકે થઈ હતી. તેની પાસેથી ચોરીના બધા દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર કલ્યાણમાં રહેતા સોના-ચાંદીના વેપારી માંગુસિંહ ખરવડે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર ખરવડેની કલ્યાણમાં જ્વેલર્સની દુકાન આવેલી હોવાથી દર સોમવારે દુકાન બંધ રહે છે. એ દિવસે વેપારી દુકાન માટે ઝવેરીબજારમાં દાગીના ખરીદવા આવે છે.

આપણ વાંચો: ટ્રેનમાંથી 7.37 લાખના દાગીના ભરેલી બૅગ ચોરવા પ્રકરણે બે સગીર સહિત ચાર પકડાયા

વેપારી બીજી સપ્ટેમ્બરની સાંજે વિવિધ પ્રકારના સોનાના દાગીના ખરીદી કલ્યાણ જવા નીકળ્યો હતો. દાગીના અને 21 હજારની રોકડ તેણે સેકબૅગમાં રાખી હતી. ઝવેરીબજારથી ચાલતા સીએસએમટી સ્ટેશને આવી રહેલા ફરિયાદીને ડી. એન. રોડ સ્થિત એક સ્કૂલ નજીક પહોંચ્યા પછી ધ્યાનમાં આવ્યું હતું કે તેની બૅગમાંથી દાગીના અને રોકડ અજાણ્યા શખસે સેરવી લીધા હતા.

બૅગની ચેઈન ખોલી 16.20 લાખના દાગીના અને રોકડ સેરવી લેવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ માટે અધિકારીઓની બે ટીમ બનાવી હતી. પોલીસે ઝવેરીબજારથી સ્કૂલ સુધીના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી શકમંદને અબ્બાસ તરીકે ઓળખી કાઢ્યો હતો.

રે રોડ ખાતે રહેતા અબ્બાસને તેના ઘર નજીક છટકું ગોઠવી પકડી પાડવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ શિવડી, સીએસએમટી અને મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસમાં પાંચ ગુના નોંધાયેલા છે. આ કેસમાં પોલીસ અબ્બાસના સાથી કાલિયાની શોધ ચલાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button